રાજકોટ, રાજકોટમાં આજે લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બે સાગરીતોને પોલીસે કોર્ટમાં રિમાન્ડર અર્થે રજૂ કર્યા હતા. પોલીસે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરે તે પૂર્વે જ ઘટનામાં સામેલ અન્ય બે આરોપી સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેમાં હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. ઉલ્લેખનીય છે કે ગુનો નોંધાયા બાદ પણ ૧૦ દિવસ સુધી પોલીસ દેવાયત ખવડને પકડી શકી ન હતી. જે બાદમાં શુક્રવારે દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. ત્યારે ઘટનામાં સામેલ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે અને પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. હાલ દેવાયત ખવડ સહિત ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં ૭ ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા ૧૦ દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ શુક્રવારે ન્યાય માટે સીધી જ લેખિત ફરિયાદ કરતાં દેવાયત ખવડને પણ રેલો આવ્યો અને સીધો ક્રાઇમ બ્રાન્ચમાં દોડી આવ્યો છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતાં એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબજાે લેવા પહોંચી ગઈ હતી. બાદમાં દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.