નડિયાદ : જગ પ્રખ્યાત નડિયાદના સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી પારંપારિક રીતે ૧૯૦ વર્ષથી કરવામાં આવે છે. આ ઉજવણની ખાસિયત એ છે કે, હજારો દીવાની જ્યોત પ્રગટાવી જગત અને જીવનમાંથી અંધકાર દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવે છે.  

નડિયાદ સંતરામ મંદિરમાં ૧૯૦ વર્ષથી પરંપરા બની ગયેલો આ દેવદિવાળી ઉત્સવ કોરોના મહામારીને કારણે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો. દર વર્ષે દેવ દિવાળી મહોત્સવમાં જ્યાં બેથી અઢી લાખ ઉપરાંત ભક્તોની હાજરીમાં ૧ લાખ ૨૧ હજાર દિવા કરવામાં આવતાં હોય છે ત્યાં સત્સંગ ભૂવનમાં માત્ર ૧૧ દિવા પ્રગટાવી પ્રતીકાત્મક દેવ દિવાળી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સંતરામ મંદિરની પરંપરા મુજબ મંદિરના મહંત દ્વારા મંદિરની દિવ્ય અખંડ જ્યોત લઈને તુલસી ક્યારાએ દીપ પ્રાગટ્ય કરી જય મહારાજના જય ઘોષ કરવામાં આવે છે અને તે સાથે જ મંદિરમાં આવેલાં ભક્તો એક સાથે ૧ જ મિનિટમાં હજારો દીપ પ્રગટાવી મંદિર પરિસરને ઉજાસથી પ્રજ્વલ્લિત કરી દે છે. જાેકે, આ વર્ષે કોરોનાની મહામારીને કારણે પ્રતીક સ્વરૂપે દીવાઓથી ૐ કાર બનાવી દીપમાલા પ્રકાશિત કરવામાં આવી હતી.