અમદાવાદ-

શહેરના નરોડામાં રહેતો જૈમીન નામનો વ્યક્તિ ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો. 14 જુલાઈએ બપોરના સમયે પોતાના ઘરમાં ઝેરી દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બચી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મોત મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી તે દરમિયાન એક સ્યૂસાઈડ નોટ અને 2 વીડિયો પોલીસને મળ્યાં હતાં.

સ્યૂસાઈડ નોટમાં હિન્દીમાં લખ્યું હતું કે હું આત્મહત્યા કેમ કરું છું એ પાપા તમને જણાવવા માગું છું. મારે હિંમતનગરમાં ટ્રાવેલ્સનો ધંધો હતો. ત્યાં હું મારા ફોઈના ઘરે રહેતો હતો. જ્યાં મારા ફોઈના દીકરા પીનાકીન પટેલે મારી એક સંત સાથે મુલાકાત કરાવી હતી. સંતને મેં મારા ધંધા વિષે જણાવ્યું હતું. સંત ફ્લાઈટની ટીકિટ મારા જોડેથી બૂક કરાવતાં હતાં. તે સંત હતાં તેથી તેમના હું પૈસા પણ લેતો ન હતો. બાદમાં સંતે ભક્તોને નેપાળ લઇ જવા માટે મારી સાથે વાત કરી ત્યારે મેં 40 લાખનું કોટેશન આપ્યું હતું. જે સંતે પાસ પણ કરી દીધું હતું. તેમણે મને 22.84 લાખ ચૂકવી દીધાં હતાં. પરંતુ 17 લાખથી વધુની રકમ ચૂકવણી બાકી હતી. જે માગતા તેમણેે કહ્યું હતું કે તારા ફોઈના દીકરા પીનાકીન પાસેથી તે રકમ લઇ લેજે. પરંતુ પીનાકીને એવું જણાવ્યું કે તેની સંત સાથે કોઈ વાત થઇ નથી તેથી તે કોઈ પૈસા ચૂકવશે નહી. જેથી મેં બીજા લોકો પાસેથી પૈસા ઉધાર લીધાં પરંતુ મારો ધંધો ડૂબી જતાં હું અમદાવાદ આવી ગયો અને અહીં નોકરી કરવા લાગ્યો.

આ દરમિયાન મારા ફોઈના છોકરાએ પણ આપઘાત કરી લીધો હતો, જેમાં મારું નામ આવ્યું હતું. જેથી મારો અનુરોધ છે કે મારે લેવાના નીકળતા પૈસા મારા પરિવારને મળે જેથી દાગીના ગીરવી મૂક્યાં હતાં તે છોડાવી શકે. આ ઉપરાંત મૃતક જૈમીને વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેને ન્યાય મળે અને સ્યૂસાઈડ નોટનો ઉલ્લેખ કર્યો હતો અને પીનાકીન અને સંતના કારણે આત્મહત્યા કરતો હોવાનું જણાવ્યું હતું. જે બંને પોલીસ કબજે કરીને સંત અને પીનાકીન વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.