૧૪૦ કિલો વજન ધરાવતો ધારીનો ૧૩ વર્ષીય સાગર ૭ રોટલા આરોગે છે
28, જુન 2021

ઉના, વાજડીના ત્રણ સુમો થોડા સમય અગાઉ ચર્ચામાં આવ્યા હતા. તેમના મેદસ્વી શરીર, તેમની સારવાર માટે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતે રસ લઇને આ બાળકોની સારવાર કરાવી હતી. હવે અમરેલી જિલ્લાના ધારીના ખીચા ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ખીચ્ચાનાં એક પરિવારનો ૧૩ વર્ષીય દીકરા સાગરનુ વજન ૧૪૦ કિલોગ્રામ છે. તે દિવસમાં ૭ રોટલાથી પણ વધારે આરોગી જાય છે. તેને સામાન્ય દિનચર્યામાં પણ મુશ્કેલી પડે તેટલી હદે શરીર વધી ગયું છે. ધારીના ખીચા ગામમાં છેલ્લા ૨૫ વર્ષથી એક પરિવાર વસવાટ કરે છે. કાળુભાઇને દીકરાનો જન્મ થયો હતો. પુત્રના જન્મથી પરિવારમાં વ્હાલસોયા દિકરાનું નામ સાગર રાખ્યું હતું. આર્થિક રીતે નબળા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. જાે કે નાનપણથી જ સાગરના ભોજન અંગેની પદ્ધતિએ વાલીની મુશ્કેલી વધારી દીધી હતી. જેના કારણે સાગર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની ઉમરની સાથે તેનું વજન અતિશય વધવા લાગ્યું અને ૧૩ વર્ષની ઉંમરમાં તેનું વજન ૧૪૦ કિલોએ પહોંચી જતા પરિવાર પણ આશ્ચર્યમાં મુકાયું છે. ઉમરની સાથે વજન વધતા સાગર અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ચુક્યો છે. વજન વધવાના કારણે સાગર ચાલી પણ શકતો નથી. આ ઉપરાંત પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પરિવાર પર આફત આવી પડી છે. મજુરીકામ કરતા પરિવારે સરકાર તરફ મીટ માંડી છે. સરકાર કંઇક મદદ કરે તેમ ઇચ્છી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution