અરવલ્લી જિ.માં કોરોનાથી મૃત્યુમાં રાજ્ય જિલ્લા આરોગ્ય તંત્રના આંકડામાં તફાવત
23, સપ્ટેમ્બર 2020

અરવલ્લી : મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં સતત વધતા કોરોના કેસોને લઈ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં રેપીડ ટેસ્ટ કરી પોઝિટિવ દર્દીઓને હોમકોરન્ટાઇન અને જરૂર લાગે તો હોસ્પિટલમાં સારવાર આપી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી આરોગ્ય તંત્ર કોરોનાના આંકડા છુપાવી રહ્યું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. 

રાજ્ય આરોગ્ય અને જિલ્લા આરોગ્ય તંત્રના કોરોનાના આંકડામાં મોટો તફાવત જોવા મળતા લોકોમાં આરોગ્ય તંત્રીની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. રાજ્ય આરોગ્ય તંત્ર ૫૩૪ કેસ જાહેર કર્યા છે.જ્યારે આરોગ્ય તંત્ર જિલ્લામાં ૪૫૯ કેસ જ નોંધાયા હોવાનું ગાણું ગાઈ રહ્યું છે. રાજ્ય આરોગ્ય તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રના કોરોનાના ૭૫ કેસનો તફાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્રની આંકડાકીય રમત ખુલ્લી પડી જતા આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાના કેસ સરકારી ચોપડે કાબૂમાં લેવામાં સફળ રહ્યું હોય તેમ કોરોનાના આંક સંતાડી રહ્યું હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે.જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો હોવાની સાથે લોકો ટપોટપ કોરોનામાં સપડાઈ રહ્યા હોવાની સાથે મોતને ભેટી રહ્યા હોવા છતાં લોકો બિંદાસ્ત અને લાપરવાહી દાખવી રહ્યા છે. માસ્ક પહેરવાનું પણ મુનાસીબ માની રહ્યા નથી. શહેરમાં માસ્ક પહેરવાની અમલવારી અને દંડાત્મક કાર્યવાહી કરી હવે મોડાસા નગરપાલિકા અને પોલીસ પણ થાકી હોય તેમ સરકારી ગાઈડલાઈનની કામગીરી કોરાણે મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution