જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ મતદારોનું મતદાન સરળ બનાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુગમ્ય ચૂંટણીઓના સૂત્રને સાકાર કરવા જ્યાં દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે તેવા મતદાન મથકો ખાતે ૧૪૦ જેટલી વ્હીલચેર અને તેટલા જ સ્વયંસેવકો મુકવામાં આવ્યા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ જણાવ્યું કે આ સ્વયંસેવકોએ મતદાનના પ્રારંભથી જ જરૂરિયાતમંદ મતદારોનું મતદાન સરળ બનાવવા વિવિધ રીતે સહાયક બનવાની સેવા શરૂ કરી દીધી હતી. તેઓ દિવ્યાંગ મતદારો ઉપરાંત વડીલો, સગર્ભા મહિલાઓને જરૂરી સહાયતા કરે છે. જરૂરિયાતવાળાને હાથ સાહીને અથવા વ્હીલચેરમાં મતદાન મથક સુધી લઈ જાય છે અને આવા મતદારોને નિયમ પ્રમાણે મતદાન કરવાની અગ્રતા મળે તેની કાળજી લીધી હતી. દિવ્યાંગો તેમજ વૃદ્ધ મતદારોએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.