અમરેલી, અમરેલીના ૯૮ રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી કોળી સમાજનું વર્ચસ્વ વધારવા અને સંગઠન મજબૂત કરવા માટે યુવાનો સાથે સતત દોડધામ કરી રહ્યા છે. આ દરમિયાન રવિવારે મોડી રાતે હીરા સોલંકીના નિવાસસ્થાને તેમના મોટા ભાઈ પૂર્વ મંત્રી ઘોઘાના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીએ ઓચિંતી મુલાકાત કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનીતિ ઘડાય હોવાની ચર્ચા થઈ હોવાની શક્યતા છે. બીજી તરફ આ સમાચાર મળતા કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં કોળી સમાજના સંગઠનને લઈ કેટલીક ચર્ચાઓ થઈ હોવાની શક્યતા છે. પરષોત્તમ સોલંકી કોળી સમાજના સીનિયર દિગ્ગજ નેતા છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાસ કરીને કોળી સમાજમાં પરષોત્તમ સોલંકીની લોકપ્રિયતા હોવાને કારણે તેમની અવર-જવર વધી હોવાનુ સામે આવ્યું છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તે પહેલા કોળી સમાજની રણનીતી ફરી તેજ થઈ હોવાનુ મનાય છે. હીરા સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજ સંગઠન સાથે જાેડાયેલા અનેક યુવાનો પહોંચ્યાં હતા.