વડોદરા-

ડભોઇ પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર શિનોર તાલુકાના મોટા ફોફડીયાના હસમુખભાઈ રમણભાઈ વસાવાના લગ્ન ડભોઇ તાલુકાના લુણાદ્રા ગામે પંદર વર્ષ પૂર્વે થયા હતા. તેની પત્ની છેલ્લા ચાર પાંચ માસથી ડભોઇ તાલુકાનાં લુણાદ્રા ગામે પોતાના બે સંતાનો પુત્ર નિરંજન ઉંમર વર્ષ 4 અને પુત્રી હિમાંશી ઉંમર વર્ષ 7 સાથે પિયરમાં રહેતી હતી અને પતિ હસમુખભાઈ વડોદરા ખાતે વોચમેનની નોકરી કરતા હતા. બે દિવસ પહેલા હસમુખભાઈ નોકરી કરી ડભોઇ તાલુકામાં લુણાદ્રા ગામે આવેલ સાસરીમાં તેની પત્ની જોશનાબેન વસાવા અને સંતાનોને લેવા આવ્યા હતા.

પરંતુ પત્ની જોશનાબેને પતિ પાસે છૂટાછેડાની માંગણી કરતા હસમુખભાઇએ છુટાછેડાની ના પાડી હતી. ત્યારે જોશનાબેને કહ્યું કે, મારે કિરીટભાઈ રામાભાઈ રાઠોડીયા ધામણજાના રહેવાસી સાથે પ્રેમ સંબંધ છે, તું મને વારંવાર દારૂ પીને મારે છે, હું તારાથી કંટાળી ગઈ છું, તું મને છૂટાછેડા આપી દે તેમ કહી પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં જોશનાબેન વસાવાએ પોતાના પતિ હસમુખભાઈનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.જ્યારે આ વાતની જાણ વહેલી સવારે જોશનાબેનના પરિવારજનોને થતાં તેઓએ હત્યા અંગેની પોલીસમાં જાણ કરી હતી. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં ઘરમાં હસમુખભાઈ રમણભાઈ વસાવા મૃત હાલતમાં જણાઈ આવ્યા હતા. આ હત્યાના બનાવને પગલે ડભોઈ DYSP સહિત વડોદરા જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આ હત્યા મુદ્દે મૃતકની પત્નીના પરપુરુષ સાથે આડા સંબંધ હોવાની જાણ હસમુખભાઈના બહેન તેમજ સહ પરિવારને હોવાથી અવાર નવાર કૌટુંબિક ઘર કંકાસ ચાલતો હતો. તેથી મરનારના પરિવારજનોએ હસમુખભાઈ વસાવાની હત્યા તેની પત્ની અને તેના પ્રેમીએ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી હતી.આ સમગ્ર બનાવની ફરિયાદ મૃતકના બહેન સુરેખાબેન વસાવા દ્વારા ડભોઇ પોલીસને કરતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ પી.આઈ. જે.એમ વાઘેલાએ હાથ ધરી હતી. હત્યાનું કારણ જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી હત્યારાને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરતા તેની પત્ની જોશનાબેન વસાવાએ જ ગળુ દબાવીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગત સામે આવતા પોલીસે જોશનાબેન વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરતા જોશનાબેેને સમ્રગ ઘટના પોલીસ સમક્ષ જણાવી હતી. હાલ પોલીસે જોશનાબેનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.