ગાંધીનગર,ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક કરવા માટે આજે દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ગુજરાત કોંગ્રેસનાં સિનિયર નેતાઓ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવાના મુદ્દે ભારે ડખા ઊભા થયા હતા.  હાર્દિકને પ્રમુખ બનાવવા સામે પક્ષના સિનિયર નેતાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં હાર્દિકને પ્રમુખ બનાવવામાં આવશે તો રાજીનામાં આપવાની ચીમકી પણ સિનિયર નેતાઓએ આપી હતી.

  ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની શોધ માટે દિલ્હીમાં મોવડીમંડળ દ્વારા ભારે મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ માટે દિલ્હીમાં પ્રદેશના સિનિયર અને દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને સિનિયર નેતા રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ છે. રાહુલ ગાંધીના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં પક્ષના પ્રભારી રઘુ શર્મા ઉપરાંત પ્રદેશના અગ્રણી નેતાઓ ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમી યાજ્ઞિક, નારણ રાઠવા, સહિતના સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામની પસંદગી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

 જાે કે જેમાં હાર્દિક પટેલને પ્રમુખ બનાવવાની ચર્ચા પૂર જાેરમાં ચાલી છે. પરંતુ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવાના મુદ્દાને લઈને ભરતસિંહ સોલંકી સહિતના સિનિયર નેતાઓના જૂથની નારાજગી સામે આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતાગીરી કે ધણીધોરી વિનાની છે. આ સંજાેગોમાં કોંગ્રેસનાં મોવડીમંડળ દ્વારા ગુજરાત કોંગ્રસને ફરીથી બેઠી કરવા માટે તથા સંગઠનમાં નવી નિમણૂંકો કરવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનાં અનેક સિનિયર નેતાઓ દિલ્હીમાં પહોંચી ગયા છે.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને પ્રબળ દાવેદાર મનાઇ રહ્યા છે. દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં હાર્દિક પટેલના નામની ચર્ચા કરાઇ હતી. પરંતુ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવાના ર્નિણયના મામલે પક્ષના અનેક સિનિયર નેતાઓ વિરુદ્ધમાં છે.દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ વિપક્ષના નેતા નરેશ રાવલ, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ દ્વારા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રસનું સુકાન નહીં સોંપવા માટેની ભારપૂર્વક રજૂઆતો કરાશે. તેમણે હાર્દિક પટેલને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ થઈ શકે છે, તેવા ભય સાથેની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યુ હતું કે, પક્ષના અનેક આગેવાનો અને ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે.

હાર્દિક અને જિગ્નેશ અધવચ્ચેથી બેઠક છોડી રવાના થયા

દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી હતી, ત્યારે હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી અધવચ્ચેથી જ બેઠક છોડીને નીકળી ગયા હતા. જેના કારણે અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. પોતાના નામની સામે વિરોધ થતાં ચાલુ બેઠકમાંથી પહેલા હાર્દિક પટેલે ચાલતી પકડી લીધી હતી. તો ત્યાર બાદ જિગ્નેશ મેવાણી પણ તેમની સાથોસાથ બેઠક છોડીને નીકળી ગયા હતા. જાે કે, પાછળથી ખુલાસો થયો હતો કે, બંને નેતાઓ બિહાર વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર કરવા માટે રવાના થયા હતા. બપોરની તેમની ફ્લાઈટ હોવાથી તેઓ આ બેઠકને અધવચ્ચેથી જ છોડીને નીકળવુ પડ્યુ હતું.

હાર્દિકને પ્રમુખ બનાવવા સામે કોણે કોણે વિરોધ કર્યો

દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવા અંગે થયેલી ચર્ચાને લઈને ગુજરાત કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓમાં નારાજગી પ્રસરી ગઈ છે. જેમાં દિલ્હી ગયેલા ગુજરાત કોંગ્રસના નેતાઓ પૈકીનું ભરતસિંહ સોલંકી જૂથ હાર્દિક પટેલને લઇને ભારે નારાજ થયુ છે. ભરતસિંહ સોલંકી સહિત અનેક સિનિયર નેતાઓ દ્વારા હાર્દિક પટેલને પ્રમુખ બનાવવાનો ભારે વિરોધ કરાયો છે. જેમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, વિમલ ચુડાસમા, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, લાખા ભરવાડ, ભગાભાઈ ભરવાડ, રાજેશ ગોહિલ, પૂર્વ સાંસદ રાજુ પરમાર અને પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ નેતાઓએ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવા સામે વિરોધ નોંધાવ્યો છે. જાે હાર્દિક પટેલ પ્રદેશ પ્રમુખ બનશે તો આ તમામ નેતાઓએ પોતાના રાજીનામું આપવાની ચીમકી પણ આપી છે.