અમદાવાદ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો જાહેર થતાં જ રાજકોટ, સુરત, વડોદરામાં વિરોધનું વાતાવરણ શરૂ થયા બાદ અમદાવાદમાં પણ અસંતુષ્ટો ઊભા થયા હતા અને કેટલાકને ટિકિટ ફાળવવાના મુદ્દે અને કેટલાકને ન ફાળવવાના મુદ્દે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ વ્યક્ત કરવા માટે પહોંચી ગયા હતા, જેને કારણે અમદાવાદ ભાજપમાં પણ બળવા જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. ચાંદખેડાના કાર્યકરો મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા.

અહીં આઇકે જાડેજાને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે શુક્રવારે બપોરે ૧૨ વાગે ઉમેદવાર નહીં બદલાય તો ૫૦૦ કાર્યકરો રાજીનામાં આપી દેશે. ૨૦૧૫માં પણ સ્થાનિક ઉમેદવારને બદલે અન્યને ટિકિટ આપવામાં આવી હતી. સરદારનગર વોર્ડમાં પણ નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે વાસણામાં આયાતી ઉમેદવાર સામે વિરોધ થયો હતો. ગોતામાં પણ ભાજપના કાર્યકરોએ હાય હાયના નારા બોલાવ્યા હતા. કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં ટિકિટ અપાતાં તેની સામે વિરોધ ઊભો થયો હતો, જ્યારે અજય દેસાઈ મહામંત્રીનો દીકરો હોવાને કારણે વિરોધ થયો હતો. કાંકરિયા ખાતે જુલાઈ ૨૦૧૯માં રાઇડ અકસ્માત થયો હતો, જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. વિવાદાસ્પદને ટિકિટ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. જાેકે આ વખતે ટિકિટ ફાળવવામાં ધારાસભ્યોનું વર્ચસ્વ રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે.

ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટ્યા

અમદાવાદ ભાજપે તમામ મહાનગરપાલિકાના પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુઁ છે. આ લિસ્ટ જાહેર કરાયા બાદ લગભગ તમામ મહાનગરપાલિકામાં ભાજપને નારાજગી, વિરોધનો સામોનો કરવો પડ્યો છે. તો કેટલાક પાલિકામાં રાજીનામા અને પક્ષપલટાની કામગીરી પણ થઈ રહી છે. આવામાં અમદાવાદમાં અનેક કાર્યકર્તાઓની નારાજગી ભાજપે વહોરી લીધી છે. અમદાવાદના લિસ્ટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યું છે. ત્યારે અમદાવાદમાં અનેક વોર્ડમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભાજપના ખાનપુરના કાર્યાલય ખાતે પણ નારાજ કાર્યકર્તાઓનું મોટું જૂથ પહોંચ્યું હતું. જેને પગલે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે.

તો ભાજપના શહેર પ્રભારી આઈકે જાડેજાએ પણ નારાજ કાર્યકર્તાઓને મનાવવાના પ્રયાસો કર્યા હતા. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે શહેર પ્રભારી આઈ કે જાડેજા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે મુલાકાત કરી હતી. તેમજ ઉમેદવારો જાહેર થયા બાદની સ્થિતિ અંગે ચર્ચા પણ કરી હતી. તો ભાજપ શહેર પ્રભારી આઈ કે જાડેજાએ શહેર સંગઠનમાં નારાજગી અંગે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં કાર્યકરોને નારાજગી હશે, દુઃખ થયું હશે. ૩ હજાર કરતા વધુ દાવેદારોમાંથી ૧૯૨ની પસંદગી કરીએ એટલે ક્યાંક દુઃખ થવું સ્વાભાવિક છે. તમામ કાર્યકરોની વાત સાંભળવામાં આવી છે. તમામ સક્રિય કાર્યકરોને ટિકિટ આપી છે. ઉદ્યોગપતિ, શિક્ષકોથી લઈ રેંકડી ચલાવવાવાળા સુધીના બધાને ટિકિટ આપી છે. ક્યાંક કોઈ નારાજગી હશે પણ તમામ સાથે વાત કરી છે. સિનિયર કોર્પોરેટરોને પણ કાપ્યા નથી, તેમની સાથે પણ વાત કરી છે.