આણંદ : નડિયાદના તબીબના પેટલાદ ચકચારી હનીટ્રેપ કાંડમાં સંડોવાયેલાં ત્રણ મહિલા સહિત છ આરોપીઓને ઓળખ પરેડ દરમિયાન તબીબ અને નાણાં આપવા આવેલા ઈસમે ઓળખી લીધાં હતાં. આરોપીઓના રિમાન્ડ પૂરાં થતાં કોર્ટે વધુ રિમાન્ડ ફગાવી મહિલા આરોપીઓને બિલોદરા જેલમાં અને પુરુષોને ખંભાત સબ જેલમાં ધકેલી દીધાં હતાં.  

નડિયાદના સિવિલ હોસ્પિટલના તબીબ ડો.ધીરેન શાહને છેલ્લાં દસેક વર્ષથી ઓળખતી પ્રફુલ્લા દરજી પેટલાદ તાલુકાના આશી ગામે દર્દીની ખબર જાેવાં લઈ જવાના બહાને ફસાવ્યાં હતાં. તબીબને એક ઓરડીમાં બેસાડી કાર્યાં હતાં અને અન્ય મહિલા આરોપીએ કપડાં કાઢી નાખ્યાં હતાં. એ જ સમયે પાછળના દરવાજેથી ત્રણેક શખસો પોલીસની ઓળખ આપી આવી પહોંચ્યાં હતાં. તેમણે તેમનો વીડિયો ઊતારી અને ફોટા પાડી તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ અંગેની પેટલાદ શહેર પોલીસ સ્ટેશને તબીબે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ કાંડના આરોપીઓ પ્રફ્ુલ્લા દરજી (રહે. સોજિત્રા), શખુ ચાવડા, અફરોઝ સૈયદ (રહે. ખંભાત), ધીરેન્દ્ર સોલંકી (રહે. બોરસદ), ગીરીશ સોલંકી અને ઈશ્વર પટેલ (રહે. પેટલાદ)ને ઝડપી લીધાં હતાં. હજુ તેમની સાથે સમગ્ર ઘટનાનો મુખ્ય સુત્રધાર શબ્બીર પઠાણ છે, જે વોન્ટેડ છે. સોમવારે સાંજે રિમાન્ડ પૂરાં થતાં તમામ આરોપીઓને મામલતદાર સમક્ષ ઊભાં રાખવામાં આવ્યાં હતાં અને ઓળખ પરેડ યોજવામાં આવી હતી. તબીબ ડો. ધીરેન શાહ તેમજ એ સમયે પેટલાદ ચોકડી પાસે રૂ.૧.૨૫ લાખ આપવા આવેલાં નડિયાદના સાક્ષીએ મામલતદારની હાજરીમાં તમામની ઓળખ પરેડ કરી હતી. બંને આરોપીઓને ઓળખી કાઢ્યાં હતાં. હાલમાં તમામના રિમાન્ડ પૂરાં થતાં મહિલા આરોપીઓને બિલોદરા જેલમાં અને પુરુષ આરોપીઓને ખંભાત સબ જેલમાં ધકેલાયાં છે.

કોણ છે ફરાર આરોપી શબ્બીર પઠાણ?

બોરસદના પીપળી ગામના રહેવાસી શબ્બીર પઠાણનું હાલમાં સાતમા આરોપી તરીકે નામ ખૂલ્યું છે. તેને હજુ પકડવાનો બાકી છે. પોલીસ દ્વારા એક ટીમ બનાવી તેનાં ઘર પાસે વોચ રાખવામાં આવી રહી છે. દરમિયાન બીજી તરફ પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ ઈસમ સમગ્ર હનીટ્રેપ કાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે. તેની વિરુદ્ધ પણ બોરસદ પોલીસ સ્ટેશનોમાં કેટલીક અરજીઓ અને ફરિયાદ થઈ છે. જાેેકે, તે પકડાય પછી અનેક નવી ઘટનાઓ પણ બહાર આવી શકે તેમ છે.