સુરત, સુરત મહાનગર પાલિકાનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું રીવાઇઝડ બજેટ અને વર્ષ ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સ્થાયી સમિતિની મંજૂરીની અપેક્ષાએ રજૂ કર્યું છે.બજેટનું કદ રૂા.૬૫૩૪ કરોડનું રહ્યું છે. જે ગત વર્ષે ૬૧૦૦ કરોડનું બજેટ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ કોરોના કાળમાં જ નીકળી જતાં વિકાસ કામો થઇ શક્યા નથી. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં વિકાસ કામો પાછળ ૨૭૭૫ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. જેની સામે અત્યાર સુધીમાં માત્ર ૧૫૦૦ કરોડના જ કામો થયા છે. ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટમાં પાલિકાના હદવિસ્તરણથી સમાવાયેલા નવા વિસ્તારોમાં ડ્રેનેજ, પાણી, રસ્તા અને બ્રિજની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે આરોગ્યને લઈને પણ પાલિકા દ્વારા સ્મીમેરની કેપેસિટીની સાથે સાથે નવા હેલ્થ સેન્ટર વધારવાની વાત કરવામાં આવી છે.કોઈ વેરા વધારવામાં ન આવ્યા હોવાનું કહીને પાલિકા કમિશનરે બજેટને લોકોનું બજેટ ગણાવ્યું હતું.

પાલિકા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ આવક ૩૩૬૬ કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે. પાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં ૧૪૦ કરોડના ખર્ચે ડ્રેનેજ,પાણી, રસ્તા અને બ્રિજ બનાવવામાં આવશે. સાથે જ શાળા, ગાર્ડન, હેલ્થ સેન્ટર અને લાઈટ સહિતના ખર્ચા કરાશે.આ સાથે રિવરફ્રન્ટના પ્રોજેક્ટને પણ આગળ ધપાવવામાં આવશે તેમ ડ્રાફ્ટ બજેટમાં કહેવામાં આવ્યું છે. તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ પાછળ ૯૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ૩૬ મહિનામાં કામ પૂરૂં કરવાનો પણ અંદાજ મૂકવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના કાળમાં થયેલી કામગીરીમાંથી બોધપાઠ લઈને આરોગ્ય પાછળ ૩૯૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ સ્મીમેર હોસ્પિટલમાં ૨૫૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવશે.