મુન્દ્રા ડ્રગ્સ કેસમાં ડીઆરઆઇની દેશના ૮ શહેરોમાં તપાસ શરૂ
24, સપ્ટેમ્બર 2021

કચ્છ, ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ૨૧ હજાર કરોડનું ૩ હજાર કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો છે. આ કિસ્સા બાદ ફરી સત્તાવર સૂત્રો કહી રહ્યા છે કે, વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. જાે કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા આયોજનબદ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જાણકારોનું તો એવું પણ કહેવું છે કે, ગુજરાતના કુલ ૪૨ બંદરમાંથી કોઈપણ બંદરનો ઉપયોગ થઈ શકે છે. આ જથ્થો ગુજરાત માટે કે દિલ્હી, મુંબઈ કે દેશના અન્ય રાજ્ય માટે હોવાની ચર્ચા છે. મુંદ્રાથિ જે ડ્રગ્સ પકડાયું તે અફઘાનિસ્તાનથી આવ્યું હતું. ૯૦ ટકા ડ્રગ્સનું ઉત્પાદન ત્યાં જ થાય છે. અફઘાનિસ્તાનમાં દરિયો ન હોવાથી ઈરાન સહિતના અરેબિયન કન્ટ્રીના બંદર અને પેઢીઓમાંથી ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી થાય છે. ગુજરાતના બંદરો પર સતત વેપાર વધી રહ્યો છે, જેથી તમામ કન્ટેઈનરની ઊંડાણથી તપાસ કરવી શક્યથી. આ જ બાબતનો ગેરલાભ લઈ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે.મુન્દ્રા ડ્રગ્સ મામલામાં ડીઆરઆઈ એક્ટિવ થયું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાં ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં ડીઆરઆઈ દ્વારા ૮ શહેરોમાં તપાસ શરૂ કરાઈ છે. જેમાં ગાંધીધામ, ન્યુ દિલ્હી, નોઇડા, ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, વિજયવાડામાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. મુન્દ્રામાં પકડાયેલા ડ્રગ્સનું શ્રીલંકા સાથે પણ કનેક્શન નીકળ્યું છે. નશાના કારોબારીઓ મુન્દ્રા અને પોરબંદરથી જપ્ત કરાયેલા ભારત ઉપરાંત શ્રીલંકા અને નેપાળ પણ મોકલવાના હતા. ૪ અફઘાની, ૩ ભારતીય, ૧ ઉઝબેકિસ્તાની નાગરિક સહિત કુલ ૮ ની ધરપકડ કરવામાં આવી છે. અબડાસાના જખૌ નજીક મળેલ વિસ્ફોટક પદાર્થને ગઈકાલે નષ્ટ કરવામાં આવ્યું હતું. ગઈકાલે દરિયાઈ વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution