વલસાડમાં કલવાડા-ઠક્કરવાડા માર્ગની બિસમાર હાલતથી વાહનચાલકોને હાલાકી
03, ઓગ્સ્ટ 2020

વલસાડ, તા,૨ 

ચીખલી ઘેજ અટગામ કલવાડા ઠક્કરવાડા કાંજણ રણછોડ ભોમાપારડીને જોડતો અત્યંત ટૂંકો અને ઉપયોગી માર્ગમાં ઔરંગા નદી પર સેતુ બનાવવામાં દસેક વર્ષ નીકળ્યા અને પુલ બન્યા પછી માંડ કિલોમીટરના વિવાદી રસ્તાના લીધે કરોડોનો પુલ ઉપયોગમાં લેવાતો નથી.

આ ભંગાર વિવાદી માર્ગમાં ગણ્યા ગણાય નહીં તેટલા ખાડાઓ છે જેમાંથી પસાર થવું બાઈક ચાલકો છકડા માટે આંચકાસહ કમર કે કૅડ તોડ છે જ્યારે ભારે વાહનો માટે કમાનતોડું છે. પરિણામે વાહનચાલકો બળતણ અને સમયમાં ફાયદો થતો હોવા છતાં આ માર્ગનો ઉપયોગ ટાળે છે.

આ વિવાદી ભંગાર રસ્તો અદાલતમાં છે, પરંતુ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્ય માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ- પદાધિકારીઓ ખાડા પૂરવા માટે તો અદાલતને જણાવી શકે ને? જાહેર જનતા માટે ઉપયોગી માર્ગ માટે એકાદ બે વ્યક્તિના કારણે હજારો લોકોને વેઠવાનું આવે તે ગેરવ્યાજબી છે.

જાહેર હિતમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે તો ન્યાય તોલતી અદાલત દુઃખી થતી પ્રજા માટે ઉકેલ લાવવા યોગ્ય પગલાનો આદેશ તો કરે જ.કમ સે કમ બિસ્માર રસ્તાને સુધારવા- ખાડાઓ પુરવા માલસામાન નંખાવીને સરખું તો કરાવે જ જેથી વાહનચાલકો દુઃખી ના થાય, ભાંગતૂટ ના થાય, સમય અને બળતણ બચાવી શકે.

કલવાડા ઠક્કરવાડા અને કાંજણરણછોડના સરપંચો તા./જિ.પં સભ્યો ધારાસભ્ય અરવિંદ પટેલ, સાંસદ કે.સી પટેલને ઉગ્ર રજૂઆતો કરી ઉકેલ લાવે તેવી દુઃખી પ્રજાની માંગ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution