14, જુલાઈ 2025
દ્વારકા |
2277 |
જગત મંદિર આસપાસના 100 મીટર વિસ્તારને ટેમ્પલ સ્કવેર તરીકે વિકસાવાશે
નવલા નજારાણા સુદામા સેતનું નવીનીકરણ, નાગેશ્વર જયોતિર્લિંગ કોરીડોર, બેટ દ્વારકામાં પણ સુવિધા વિકસાવાશે
રાજ્યમાં યાત્રાધામોના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા કોરિડોર પ્રોજેક્ટનો પણ આગામી મહિનામાં પ્રારંભ થાય તેવી શક્યતાઓ દર્શાવવામા આવી છે. જગત મંદિર પાસે 100 મીટર વિસ્તારને ટેમ્પલ સ્કવેર તરીકે વિકસાવવાનું આયોજન છે.
કેન્દ્રીય ટુરીઝમ મીનીસ્ટ્રી તથા ગુજરાત ટુરીઝમ વિભાગના આગામી મહાત્વાકાંક્ષી પ્રોજેકટ પૈકીના મુખ્ય એવા દ્વારકા કોરીડોર પ્રોજેકટનો પ્રારંભ ટૂંક સમયમાં થાય તેવા અહેવાલો સાંપડી રહયા છે ત્યારે મહદંશે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, શિવરાજપુર બીચને સાંકળતા કોરીડોર પ્રોજેકટનો ઓગષ્ટ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શિલાન્યાસ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. યોજના અંતર્ગત દ્વારકાધીશજી જગતમંદિર આસપાસના વિસ્તારને વિવિધ સુવિધાઓ સાથેના ટેમ્પલ સ્કવેર આકારમાં ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. કેન્દ્રીય ટુરીઝમ વિભાગ તથા રાજ્યના ટુરીઝમ વિભાગ દ્વારા અમદાવાદની ખાનગી કું.ને દ્વારકા કોરીડોર પ્રોજેકટ અંગેની થ્રી-ડીડીઝાઈન તથા વ્યાપક રૂપરેખાની જવાબદારી સોંપાયેલ હોય જેમના દ્વારા રજૂ કરાયેલ પ્રેઝન્ટેશન તથા હૃદય યોજના અંતર્ગત પ્રોજેકટ રીપોર્ટમાં ફર્સ્ટ ફેઈઝમાં દ્વારકાધીશ જગતમંદિર આસપાસના 100 મીટરના વિસ્તારનો વિકાસ થશે જેને ટેમ્પલ સ્કવેર તરીકે ઓળખવામાં આવશે જેમાં મંદિર પરિસર સાથે સાથે ભવ્ય કોરીડોર પણ સમાવિષ્ટ હશે. સાથે સાથે દ્વારકા તેમજ આસપાસના ધાર્મિક અને ટુરીઝમ કેન્દ્રોનો પણ વિકાસ કરવામાં આવનાર હોય જેના ભાગરૂપે ગોમતી નદીને સામે ઘાટે આવેલ પંચનદ તીર્થ સાથે જોડતાં સુદામા સેતુનું પણ નવીનીકરણ કરાશે.દ્વારકાથી 16 કિમી દૂર આવેલ દ્વાદશ જયોતિર્લિંગને પણ નાગેશ્વર જયોતિર્લિંગ કોરીડોરને ‘લાઈવ ઓફશિવા''ની વિશેષ થીમ હેઠળ વિકાસાવાશે. સાથોસાથ સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકા રોડ રસ્તે જોડાઈ જતાં ત્યાં યાત્રાળુઓના પ્રવાહમાં સતત વૃદ્ધિ જોતાં બેટ દ્વારકાનો માળખાગત રીતે વિકાસ કરી પ્રવાસનલક્ષી સુવિધાઓ ક્રમશઃ ઊભી કરવામાં આવનાર છે. આ સાથે બેટ દ્વારકાધીશ મંદિરનું બ્યુટીફીકેશન પણ કરવામાં આવનાર છે.