દ્વારકાના ડે.કલેક્ટર નિહાર ભેટારિયા ૩ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
15, ઓક્ટોબર 2021

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને એસીબીએ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારી દ્વારા અરજદાર પાસે રૂપિયા ત્રણ લાખની લાંચ માગવામાં આવી હતી.  આ અંગે અરજદારની અરજીના પગલે ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર બુધાભાઇ ભેટારિયાએ એક આસામીને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માટે રૂ.૩,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જાેકે જે તે આસામી આવડી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીની ફરિયાદ કરી હતી. જેના આધારે ગુરૂવારના રોજ ગાંધીનગર એ.સી.બી. ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં દ્વારકા નાયબ કલેક્ટર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીની ટીમે અધિકારીની ધરપકડ કરી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત તેના બેંકના એકાઉન્ટ સહિતનો તાગ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જીએએસ કક્ષાનો અધિકારી એસીબીની ટ્રેપમાં સપડાઈ જતા હાલારની બંને સરકારી કચેરીઓમાં આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution