ગુજરાતમાં ઇ-કારનો ક્રેઝ વધ્યોઃ 10 દિવસમાં 100 કારનું બુકિંગ, 2 મહિનાનું વેઈટિંગ
05, જુલાઈ 2021

સુરત-

સુરતમાં ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર ૧૦ જ દિવસમાં ૧૦૦ જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. ૨૨મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં બાઈક પર ૨૦ હજાર, થ્રી-વ્હીલર પર ૫૦ હજાર અને ફોર-વ્હીલર ૧.૫૦ લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે, જેને લઈને લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. ઈલેક્ટ્રિક પોલિસી જાહેર કર્યાના ૧૦ દિવસમાં જ સુરતમાં ૧૦૦ ઈલેક્ટ્રિક કારનું બુકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કારમાં ૨ મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

બે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા સુરતમાં ઈ-કારના અલગ-અલગ મોડલ લોંચ કરવામાં આવ્યાં છે. બંને કંપનીઓ મળીને અંદાજે ૧૦૦થી વધારે કારનું બુકિંગ થઈ ગયું છે, પરંતુ એમાંથી એકસાથે ૫૦ જેટલી કારની ડિલિવરી અષાઢી બીજના દિવસે આવશે. એક કાર ડીલરના સાઉથ ગુજરાત સેલ્સ મેનેજર રાહુલ ત્રિપાઠીએ કહ્યું, ‘હવે ઈલેક્ટ્રિક કારને જાેવાનો લોકોનો નજરિયો બદલાઈ ગયો છે. હવે ફ્યુચર બેટરીવાળી કારનું છે, જેને લઈને લોકો બેટરીવાળી કાર તરફ વળ્યા છે. લોકોમાં ગઝબનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. સરકાર દ્વારા સબસિડી જાહેર કરવામાં આવી છે, જેને કારણે લોકોને ફાયદો થતો હોવાથી તેઓ ઈ-કારના ઉપયોગ તરફ વળી રહ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution