શિક્ષણ વિભાગનો છબરડો: ગોલ્ડન ગર્લ સરિતાને બતાવી વનિતા ગાયકવાડ
08, જુલાઈ 2020

ગાંધીનગર,

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિનામૂલ્ય આપતા પુસ્તકોમાં ધોરણ-7 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં 16 નંબરના પાઠ જાતિગત ભિન્નતામાં 104 નંબરના પેજ ઉપર દેશની અલગ અલગ ક્ષેત્રે નામના ધરાવતી મહિલાઓનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં રાજકારણી સુષ્મા સ્વરાજ, સિંગર લતા મંગેશકર, અવકાશ યાત્રી કલ્પના ચાવલા અને ગુજરાતના અંતરિયાળ વિસ્તાર ડાંગ જિલ્લામાંથી દેશને સુવર્ણચંદ્રક અપાવનાર સરિતા ગાયકવાડનો પરિચય આપતા ફોટા સહિતની વિગત મૂકવામાં આવી છે.

ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતની પ્રખ્યાત યુવા દોડવીર સરિતા ગાયકવાડના નામને લઈને ગંભીર ભૂલ કરવામાં આવી છે. સરિયા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો છાપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેકટર હરેન શાહે સરિતા ગાયકવાડને લઈને થયેલા છબરડાને મુદ્રણ દોષ ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે, આગામી આવૃત્તિ અને ડિજિટલ પુસ્તકમાં આ સુધારો કરી લેવાશે. તો બીજી તરફ, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા છે.  

આ વિગતમાં સરિતા ગાયકવાડને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અને પાઠ્યપુસ્તક બનાવવાની કામગીરીથી લઈને પ્રિન્ટિંગ કરતા અધિકારીઓ દ્વારા બેજવાબદાર ભરી કામગીરી કરવામાં આવી હોય તે ફલિત થઇ રહ્યું છે. સરિતા ગાયકવાડને વનિતા ગાયકવાડ બતાવાઈ છે. મહત્વની બાબત એ છે કે, અગાઉ પણ ગુજરાતના જિલ્લાઓના બતાવતા નકશામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભૂલ બતાવવામાં આવી હતી, જેને માંડ એક વર્ષ થયું છે, ત્યારે તેના બીજા જ વર્ષે સરિતા ગાયકવાડ અને વનિતા ગાયકવાડ બતાવાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution