ભાવનગર, ભાવનગર રેલવે ડિવિઝનના બોટાદથી અમદાવાદ સુધીની મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરીત કરાયા બાદ અમદાવાદથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માટેના રેલવે તળેના પ્રયાસોએ ગતિ પકડી છે. બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઇ ગયા બાદ તમામ ઇન્સપેક્શન અને માલગાડી સંતોષપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ લાઇન પર આવતા તમામ રેલવે સ્ટેશનો અત્યારથી સવલતો ધરાવતા બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી સમગ્ર દેશને જાેડતી ટ્રેનો ચાલી રહી છે, અને હવે અહીં પાર્કિંગની સમસ્યાઓને કારણે નવી ટ્રેનોની જાેગવાઇઓ કરી શકાતી નથી. તેથી અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનોને અમદાવાદમાં લાંબો સ્ટોપેજ આપી અને તેને ભાવનગર સુધી લંબાવવાની દિશામાં કાર્યવાહીઓ ચાલી રહી છે.ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનોનો સ્પષ્ટ ખામી જાેવા મળી રહી છે, જાે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત તરફની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવામાં આવશે તો તેને ભાવનગર-સુરતના ટ્રાફિકનો પણ લાભ મળી શકશે.

હાલ બોટાદ-અમદાવાદ વચ્ચે માલગાડી ચાલી રહી છે, અને મુસાફર ટ્રેનો માટેના સમય પત્રક બની રહ્યા છે. તેમાં ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી, ભાવનગર-ગાંધીનગર ટ્રેનો માટેની વિચારણાઓ ચાલી રહી છે. ભાવનગર-અમદાવાદ ટ્રેન બંને તરફથી ચલાવવામાં આવે તો મુસાફરોને સમયની બાબતમાં અનુકુળતા આવી શકે તેમ છે. અમદાવાદથી ભાવનગર આવતી ટ્રેન સવારે ૬થી ૭ની વચ્ચે ઉપાડવામાં આવે અને તેવી જ રીતે ભાવનગરથી અમદાવાદની ટ્રેન ઉપાડવામાં આવે તો મુસાફરોને ફાયદો પહોંચી શકે તેમ છે.અમદાવાદમાં ફાજલ પડી રહેતી લાંબા અંતરની ટ્રેનો ભાવનગર સુધી લંબાવવા અત્યારથી પ્રયાસ જરૂરી છે.