આઇશર ટેમ્પાએ બાઇકને ટક્કર મારી ઢસડીને ખેતર સુધી લઈ ગયો : ૩ના મોત!
31, ડિસેમ્બર 2020

આણંદ : આણંદના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે આજે વહેલી સવારે આઈશર ટેમ્પાએ બાઇકચાલકને ટક્કર મારતાં ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આઈશર ટેમ્પાએ બાઇકચાલકને ટક્કર મારી ઢસડીને છેક પાસેના ખેતર સુધી લઈ જઈ અટક્યો હતો. ત્યાં સુધીમાં બાઈક સવારોનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત બાદ આઈશર ટેમ્પોચાલક ફરાર થઈ ગયો હતો. ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આણંદના ખંભોળજ પાસેથી પસાર થતાં એક આઈશર ટેમ્પોએ વડોદરાના સાવલી નોકરી કરવા જઈ રહેલાં બાઈકસવાર ત્રણ યુવકને અડફેટે લેતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. સવારે લગભ ૬ઃ૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, સાવલી સમલાયામાં ખાનગી કંપનીમાં નોકરી પર જવા ત્રણ યુવકો સવારે સાડા છ વાગ્યાની આસપાસ કણભઈપુરા ગામથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ઓડ બાજુ જતાં આઈશર ટેમ્પોએ ખતરનાક રીતે અડફેટે લીધાં હતાં. આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાતાં બાઈકસવાર યુવકો ટેમ્પોના પાછળના ભાગે બહાર નીકળ્યાં હતાં. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળના ખેતરમાં ઢસડાઈ ઊભો રહી ગયો હતો. જાેકે, ત્યાં સુધીમાં ત્રણેય યુવકના પ્રાણ નીકળી ગયાં હતાં. આ ઘટનાને પગલે ટેમ્પોડ્રાઈવર ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતોે. ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. 

મોતને ભેટેલાં બાઈકસવાર ૩ યુવક કોણ હતાં?

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ત્રણ યુવકોમાં મનુભાઈ રણછોડભાઈ ઠાકોર (રહે, પાડવણિયા), ભરતભાઈ પૂજાભાઈ ઠકોર, (રહે, કણભઈપુરા) અને રાજેશભાઈ રમણભાઈ ઠાકોર (રહે, ખાનકૂવા) હતાં.

મુખ્ય કમાનારાં વહાલસોયને ગુમાવતાં પરિવારજનોનું આક્રંદ

ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરિવારના ભરણપોષણ માટે છેક સાવલી રોજગારી માટે જતાં ત્રણ યુવાનોના મોતથી ગમગીની પ્રસરી ગઈ હતી. પરિવારના મુખ્ય કમાનારાં વહોલસોયાના મોતને પગલે તેમનાં પરિવારજનોમાં આક્રંદ વ્યાપ્યો હતો. પરિવારજનો અને સંબંધીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયાં હતાં. મૃતકોના ગામમાં પણ આ અકસ્માતને લઈ માહોલ ગમગીન બન્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution