રાજકોટ રાજકોટ શહેરના ૮૦ ફૂટ રોડ આંબેડકરનગરમાં બુધવારે રાતે નવા થોરાળા મેઇન રોડ, સ્વામિનારાયણ સ્કૂલની સામે -૧માં રહેતા અને મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીમાં નોકરી કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઇ મકવાણા નામના યુવાનની સરાજાહેર હત્યા થઇ હતી. બે મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી તેમજ શેરીમાંથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળે છે તેમ કહી કાર અને બાઇકમાં ધસી આવેલા ૮ શખ્સે છરીના ઘા ઝીંકી તેમજ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાના બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઇ ડો.એલ.કે.જેઠવા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સિદ્ધાર્થના બનેવી સુનિલભાઇ નાથાભાઇ ચાવડાની ફરિયાદ પરથી આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ આરોપીઓને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. સિદ્ધાર્થ ઉર્ફે રઘાની હત્યા થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. દરમિયાન તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં સિદ્ધાર્થને છરીના બે ઘા ઝીંકાયા હતા. જેમાં સિદ્ધાર્થને છરીના પહેલા ઘાથી ગળાથી નીચેના ભાગે ગંભીર ઇજા થવાથી જમણી સાઇડનું ફેફસું તેમજ હૃદયથી ગળા તરફ જતી નસ કપાઇ ગયાનું અને છરીનો બીજાે ઘા નાભીની ઉપર લાગ્યો હતો. જેથી હોજરી કપાઇ ગઇ હતી.