રાજકોટ, જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે સામસામી ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં ધો.૫ની વિદ્યાર્થિની ગૌરી નું મોત નીપજ્યું છે. જ્યારે ૮ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને ૧૦૮ મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

એસેન્ટ કાર સાથે સ્કૂલવેન સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં એસેન્ટ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત થતા ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને સ્કૂલવેનના ડ્રાઇવરને જેકની મદદથી એક કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તમાં સ્કૂલવેનના ડ્રાઇવર સંજયભાઈ બાવળિયા, સોમીરાણા ભરતસિંગ, હેમાની રાણા, ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, દયાબેન રામાણી, શિલ્પાબેન રામાણી અને યુગ રામાણીનો સમાવેશ થાય છે.