સ્માર્ટ ફોન ન ધરાવનાર યુવાન પીઆઈની ભરતીમાં રાજ્યમાં આઠમા નંબરે
27, નવેમ્બર 2021

ભાવનગર, ભાવનગરના અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા ૨૭ વર્ષની ઉંમરના યુવક સતીષ કિશોરભાઈ કાંબડે બે દિવસ પહેલાં જાહેર થયેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ૮મો ક્રમાંક મેળવીને ઉત્તીર્ણ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટફોનના જમાનમાં આ યુવક પાસે સ્માર્ટફોન પણ નથી.આજની યુવાપેઢી સ્માર્ટફોન વગર એક દિવસ પણ પસાર કરી નથી શકતી તેવાં સમયે સતિષભાઈ પાસે આજે પણ સ્માર્ટ ફોન નથી, તેઓ સાદો ફોન વાપરે છે. સમગ્ર રાજ્યમાં ૪૦ બેઠકો માટે યોજાયેલી આ પરીક્ષામાં ૪ લાખથી વધુ ફોર્મ ભરાયાં હતાં. જેમાં પ્રાથમિક પરીક્ષામાં ૧,૭૦૦ વિદ્યાર્થીઓ રંનીગમાં ૩૫૮ વિદ્યાર્થીઓ અને ઇન્ટરવ્યૂમાં ૩૨૦ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યાં હતાં. તેમાંથી તેઓએ ૮ મો ક્રમાંક મેળવીને ભાવનગર શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભાવનગરની જી.ઈ.સી. કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર થયેલાં આ યુવાન પાસે આજની તારીખે પણ સ્માર્ટ ફોન નથી. એક સમયે અભ્યાસ કરવાં માટે પણ પૂરતાં નાણાં ન હતાં. આવાં સમયે સતિષભાઈના પિતા કિશોરભાઈના મિત્ર અને ભાવનગરના જાણીતા સેવાભાવી કાળુભાઈ જાંબુચાએ તેમને અભ્યાસ માટે તેમજ અભ્યાસ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પૂરતી આર્થિક મદદ કરી હતી.આ ઉપરાંત આગળ વધવા માટેનો પૂરતો સહકાર, હુંફ અને પ્રેરણા પૂરી પાડી હતી.કાળુભાઈ જાંબુચા જાણીતા ક્રિકેટર ચેતન સાકરીયાના મામા છે. ચેતન સાકરીયાને આગળ વધવા માટે તેમણે જ મદદ કરી હતી. કોરોનામાં પણ તેઓએ સક્રિય રીતે સમાજ સેવા કરી છે.પોતાના જન્મદિવસે તેમણે સમાજની જરૂરિયાતમંદ ૧૦૦૦ વિધવા બહેનોને સાડી પણ આ વર્ષે જ આપી હતી. આ સિવાય પણ સમાજના અનેક નબળા વર્ગના વિદ્યાર્થીઓ અને અભ્યાસ માટે તેઓ મદદ કરી રહ્યાં છે.સતિષભાઈ પણ તેમના આ ઉપકારને સ્વીકારતા જણાવે છે કે, એક સમયે હું પણ નાસીપાસ થઇ ગયો હતો. પરંતુ મારા પપ્પાના પરમમિત્ર એવાં કાળુભાઈ જાંબુચાએ મને હંમેશા તેમાં ટકી રહેવા માટેનો આત્મવિશ્વાસ અને હુંફ આપી હતી. જેના કારણે ફરીથી આ પરીક્ષાની તૈયારી માટે લાગ્યો. આ માટે હું છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરતો હતો અને આજે મને સફળતા મળી છે. સતિષભાઈ અઠવાડિયા પહેલાં જ ગુજરાત સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પણ પસંદગી પામ્યાં છે.રાજ્ય સરકારમાં પારદર્શિતાથી ભરતી થાય છે તેનું આ સચોટ અને ઉત્તમ ઉદાહરણ છે કે, એક સામાન્ય પરિવારમાંથી આવતા અને પ્રતિબદ્ધતાથી મહેનત કરનારાને તેની મહેનતનું સાચું ફળ મળે જ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution