નડિયાદ : સમગ્ર દેશમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. પહેલી માર્ચથી ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ થઈ ગયું છે, જેમાં સિનિયર સિટીઝન્સને રસી આપવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના વિવિધ આરોગ્ય સેન્ટર પર આ રસીકરણ હાલ ચાલી રહ્યું છે. વસો તાલુકાના પીજ ખાતે આવેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પીજના જલારામ વૃદ્ધાશ્રમના વૃદ્ધાઓને રસી આપવામાં આવી હતી. આ તમામ વૃદ્ધો અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષના વિવિધ બીમારી ધરાવતાં લોકોને કોવિડ-૧૯ રસીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલારામ ઘરડા ઘરના ટ્રસ્ટી હર્ષદ પટેલ, મેનેજર અરવિંદ સોની, તાલુકા પંચાયત વસોના સભ્ય હેમલ રાજેન્દ્ર પટેલ, વસો તાલુકા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મેડિકલ ઓફિસર ડો.હર્ષદ નાયક તેમજ સમગ્ર આરોગ્ય ટીમ હાજર રહી હતી. તંત્રએ અપીલ કરી છે કે, કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપી તમામ લોકોએ રસીકરણમાં ભાગ લેવો જાેઈએ.