વડોદરા, તા.૫ 

કરજણ વિધાનસભાની આગામી ૩ નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે આજે ૩૧૧ મતદાન મથકો માટે ઈવીએમ, વીવીપેટની ફાળવણી કરવામા ંઆવી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૪૭ કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તબક્કાવાર વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પણ પ્રચારનો પ્રારંભ કરાયો છે.

આજે જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના નિરીક્ષણ હેઠળ વિધાનસભા બેઠકમાં મતદાન કરાવવા પંચ દ્વારા મતદાન મથકોની સંખ્યાના ચોક્કસ અનુપાતમાં અને સંપૂર્ણ પારદર્શક કોમ્પ્યુટરાઇઝડ પ્રક્રિયા દ્વારા મતદાન યંત્રોની ફાળવણી કરવામાં આવી હતી અને ફાળવેલા મતદાન યંત્રોની યાદી બનાવવામાં આવી હતી.

આ દરમિયાન બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કરજણ કે.આર.પટેલ, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કરજણ બેઠક માટે પંચની કૉવિડવિષયક ગાઈડલાઇન પાળીને કુલ ૩૧૧ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યાં છે. કુલ મતદાન મથક સંખ્યાના ૧૪૦ ટકા મતદાન યંત્રો ફાળવવાની પંચની સૂચનાને અનુસરીને બેઠકના મતદાન મથકો માટે ૪૩૬ બેલેટ યુનિટ અને કાઉન્ટિંગ યુનિટ્‌સ ફાળવવામાં આવ્યાં છે. જ્યારે મતદારે મતદાન કર્યું છે એ દર્શાવતી રસીદ જનરેટ કરતાં વીવીપેટની બાબતમાં ૧૫૦ ટકાની સૂચના અનુસરીને ૪૬૭ વીવીપેટ આજની પ્રક્રિયા હેઠળ પારદર્શક રીતે ફાળવવામાં આવ્યાં છે. આ મતદાન યંત્રોને જરૂરી સુરક્ષા તકેદારીઓ સાથે કરજણ લઈ જઈને તાલુકા સેવાસદન ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે પંચની સૂચના પ્રમાણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ રાખવામાં આવશે.