અમદાવાદ-

રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છે.