અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં આજે 6 મનપાની ચૂંટણીનું સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમ છતાં અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કાર્યકરો સામ સામે આવતા મામલો ગરમાયો હતો.

રાજકોટ

રાજકોટ લક્ષ્‍મીનગર મેઈન રોડ પર કાર્યાલયમાં તોડફોડની ચર્ચા અંગે મામલો ઉગ્ર બનતા આપના કાર્યકરો પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આપ દ્વારા ભાજપે તોડફોડ કરી હોવાનો આપનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તોડફોડ બાદ દોડી આવેલી પોલીસે બંને પક્ષના કાર્યકરોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. હાલ લક્ષ્‍મીનગર મેઇન રોડ પર બૂથ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ બૂથ બહાર આપના ટેબલ-ખુરશી ભાંગી નાખવામાં આવતા આપના કાર્યકરો રોષે ભરાયા હતા.

અમદાવાદ

અમદાવાદના મેઘાણીનગરના ભગવતી વિદ્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જતા બોલચાલી થઈ હતી. મેઘાણીનગર પોલીસ અને એસીપી સહિતનો કાફલો દોડી આવ્યો અને લોકોને દૂર કર્યા હતા. તેમજ ધારાસભ્ય બલરામ થાવાણી પણ દોડી ગયા હતા. તો બીજી બાજુ શહેરના નરોડામાં હસપુરા ગામના બૂથમાં બબાલ થઈ હતી. બૂથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા. જેને લઈને સ્થાનિકે બબાલ કરી હતી. સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.

વડોદરા

વડોદરાનાં સાંસદ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ સર્જાયો છે,નુતન સ્કુલનાં બુથમાં પ્રવેશતા મતદારોએ વિરોધ કર્યો હતો,જાગૃત નાગરિકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતોઅને આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ કરતા આ નાગરિકે સાંસદને લાઇવ વીડિયોમાં કહ્યું હતું કે ‘ઓ બેન અંદર ના જવાય તમારાથી, તમારા જોડે આઇકાર્ડ છે. અધિકારીઓ કોણ છે અહીંયા બહાર કાઢો એમને’