વડોદરા-

વડોદરા મહાનગર પાલિકાના રૂપિયા ૨૩૦.૨૫ કરોડના વિકાસ કાર્યોના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયેલા ઈ-લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત અને ઈ- શુભારંભના કાર્યોના સમારોહમાં રાજ્યના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી યોગેશ પટેલે વિશેષ ઉપસ્થિતિ પદેથી સંબોધતા વડોદરા પાલિકામાં કોંગ્રેસના ઈશારે કામ કરતા અધિકારીઓને જાહેર મંચ પરથી અવળા હાથે લીધા હતા. તેમજ આડકતરી ચીમકી ઉચ્ચારતાજણાવ્યું હતું કે, તમે ગમે તે કરો આગામી ચૂંટણી પછીથી શાસન તો ભાજપનું જ આવશે. એમ જણાવી તેઓએ રાજ્યના મુખ્યમંત્રીની ઓનલાઇન હાજરીમાં જ ચૂંટણી ટાણે ખેલ ખેલતા અધિકારીઓને વિપક્ષના હાથા બનીને કામ કરવાથી દૂર રહીને ચેતી જવા ખુલ્લી ચેતવણી આપી હતી. આ સમયે શહેરના ગાંધી નગરગૃહ ખાતે ઈ સમારોહમાં ઉપસ્થિત પાલિકાના અધિકારીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેઓએ જે અધિકારી આ પ્રમાણે શાસક પક્ષ વિરુદ્ધની કાર્યવાહી કરશે એમની સામે પગલાં લેવાની ખુલ્લી ધમકી આપીને પાલિકાના કમિશ્નરને પણ આ બાબતે સજાગ રહેવાને ચેતવ્યા હતા. તેઓએ અધિકારીઓને ચૂંટણી સમયે કોંગ્રેસના ઈશારે પાણી અને વીજળી બંધ ચાલુ કરવાની રીતરસમો હવે જૂની થઇ ગઈ છે. એમ જણાવી પોતાના પક્ષ ભાજપના કાઉન્સીલરોને પણ પ્રજાના કાર્યોને માટે સતત સજાગ અને કાર્યરત રહેવાને માટે આહવાન કર્યું હતું. 

ભાજપના કાઉન્સીલરોને પ્રજાની સેવાને માટે મોબાઈલ ફોન હંમેશા ચાલુ રાખવાની હળવી ટકોર પણ કરી હતી. ગુજરાત સરકારે છેલ્લા એક બે મહિનામાં કોરોનાની મહામારીના કારણે ગમે તેવા સંજોગો છતાં પાલિકાને અંદાજે સવા ચારસો કરોડ વિકાસના કામોના માટે આપ્યા છે. ત્યારે એની એક એક પાઈનો પુરેપૂરો અને યોગ્ય ઉપયોગ થાય એ જોવાને માટે પણ અધિકારીઓ અને પક્ષના નેતાઓ અને અન્યોને જણાવ્યું હતું. તેમજ આ વિકાસના કાર્યો પ્રજા સમક્ષ લઇ જઈને એ વિકાસના આધારે મતદારોની પાસેથી મત મેળવવાને માટે કહ્યું હતું. તેઓએ તમામ કાઉન્સીલરોને પોતપોતાના વિસ્તારોમાં થયેલા અને કરવાના થતા વિકાસ કાર્યો પર લક્ષ્ય કેન્દ્રિત કરીને એને સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. જેથી કરીને મતદાર પ્રજાની કોઈ ફરિયાદ ઉભી રહે નહિ. તેઓએ પાલિકાની કચેરી કે અન્ય વોર્ડ ઓફિસો કે પાણીની ટાકીઓ કે સંપ ખાતે પાણીને માટે મોરચાઓ કે રેલીઓ લઈને જનારા કોંગ્રેસીઓને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો હવે પછી કોઈપણ નાગરિકો પોતાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળવા છતાં ખોટા દેખાવો કરશે તો સાચે જ તેઓનો પાણી પુરવઠો અટકાવી દેવામાં આવશે. આને માટે પાલિકાના સબંધિત વિભાગના અધિકારીઓને સુચિબનાઓ આપી દીધી હોવાનું પણ યોગેશ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મંત્રીના પ્રયાસોને લઈને વડોદરાને ભાર ઉનાળામાં પણ ક્યારેય પીવાના અને વાપરવાના પાણીની તંગી પડી નથી. તેઓએ વડોદરા શહેરને નર્મદાનું પાણી માગ્યું એનાથી પણ અપેક્ષા કરતા વધુ ઉદાર હાથે પૂરું પાડ્યું હતું. તેમ છતાં કોંગ્રેસના ઈશારે દેખાવો યોજી પાણીની બુમરાણ મચાવનારાઓને તેઓએ ચેતવ્યા હતા. તેમજ પાલિકા અને સરકારને બદનામ કરવાની આવી પ્રવૃતિઓ કદીયે સાખી લેવામાં આવશે નહિ એમ જણાવીને તેઓ સામે કડક પગલાં લેવાને માટે અધિકારીઓને આદેશ કર્યા હતા. પાણીના પ્રશ્ને આગળ બોલતા તેઓએ ઉમેર્યું હતું કે, શહેરને પાણી પૂરું પાડતા સ્રોત્ર પૈકી એક એવા સદી પુરાણા પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આને માટે નક્કી કરેલા આયોજનની ચર્ચા વિચારણા કરવાને માટે આગામી સપ્તાહે મંગળવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની મિટિંગ યોજાશે. જેમાં પ્રતાપપુરા સરોવરના વિકાસને માટેની રૂપરેખાનો અંતિમ ર્નિણય લઈને ખુબજ ઝડપથી કામ ચાલુ કરવામાં આવશે જેથી વડોદરા શહેરના નગરજનોને ક્યારેય પાણીની સમસ્યા ઉદ્ભવશે નહિ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ પક્ષના નગર સેવકોને તમામ બેઠકો જીતવા કમર કસવાને માટે જણાવ્યું હતું. આ ઉપરાંત નવા સીમાંકનનો લાભ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરે અને બાકી વિકાસ કામો સત્વરે પૂરાં કરાવે તો પ્રજાનો ટેકો મળશે જ એવો વિશ્વાશ વ્યક્ત કરીને દોહરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત તેઓએ દોહરાવીને ભ્રષ્ટાચારીઓને ચેતી જવાના સંકેત આપ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીનો યુગ ઈમાનદારી નો યુગ છે એટલે વિકાસ થઈ રહ્યો છે એવી લાગણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી. તેમજ કોરોના સામે અભૂતપૂર્વ લડત આપવાની સાથે છેલ્લા ૬ મહિનામાં રાજ્યમાં રૂ.૧૧ હજાર કરોડના વિકાસ કામોને અંજામ આપ્યો છે.વડોદરાને રૂ.૪૦૦ કરોડથી વધુ રકમના વિકાસ કામોનો લાભ આપ્યો છે.કોંગ્રેસના શાસનમાં ફૂટી કોડી ના મળતી અને લોકો વિકાસથી વંચિત રહેતા હતા જયારે અમે વિકાસની સરવાણી વહાવી છે. જેને કારણે વડોદરાને અત્યંત ટૂંકા ગાળામાં વિકાસ કાર્યોને માટે સાડા ચારસો કરોડ ઉપરાંતની સહાય માલ્યાનું તેઓએ જણાવ્યું હતું.