મેઘરજમાં ખેડૂતના ઘરે માત્ર એક જ બલ્બ છતાં વીજતંત્રએ ૩૯ હજારનું બિલ ફટકાર્યું
20, જુલાઈ 2020

અરવલ્લી,તા.૧૯ 

કોરોનાની મહામારીમાં વીજતંત્રએ આડેધડ મનફાવે તેમ ગ્રાહકોને બીલ ફટકાર્યાં હોવાની બૂમો સતત ઉઠી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ તો લોકોએ વીજતંત્રએ આપેલ વીજબિલનો બહિષ્કાર કર્યો છે.અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખોખરીયા ગામે પરિવાર સાથે જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતના ઘરે એક જ વીજ બલ્બ હોવા છતાં થોડા મહિના અગાઉ વીજતંત્રએ ૩૨ હજાર રૂપિયા બિલ ફટકારતા ખેડૂતના મોતિયા મરી ગયા હતા. જે અંગે ખેડૂત મેઘરજ યુજીવીસીએલની કચેરીએ લેખિતમાં અરજી પણ કરી હતી અને પરંતુ વીજતંત્ર ઉલ્ટા ચોર કોટવાલને દંડે એમ ખેડૂતનું વીજ કનેક્શન જ કાપી નાખ્યું હતું. વીજ કનેક્શન કાપ્યા બાદ વધુ ૭ હજારનું બિલ પધરાવતા ખેડૂત ૩૯ હજાર રૂપિયાના બીલની રકમ સાંભળી પગ નીચેથી ઘરતી સરકી ગઈ છે. ખેડૂત પરિવાર વીજતંત્રની લાલિયાવાડીના પગલે અંધેરા ઉલેચી રહ્યો છે. હાલ ખેડૂત પરિવારના ત્રણ બાળકો દીવાના સહારે અભ્યાસ કરવા મજબુર બન્યા છેખંખરીયા ગામના ખેડૂત કાનાભાઇ અને તેમનો પરિવાર ખેતી કરી માંડ બે ટંકનો રોટાલો રળી રહ્યા છે ખેડૂતની સ્થિતિ સામાન્ય હોવાથી ઘરમાં ફક્ત એક જ બલ્બ છે. અન્ય કોઈ પણ વીજ ઉપકરણ નથી તેમ છતાં વીજતંત્રએ ફટકારેલ અધધ બિલથી ખેડૂત નિઃસહાય હાલતમાં મુકાયો છે. કાનાભાઇ નામના ખેડૂતને વીજકચેરીએ દર બે મહિને લાઈટ બિલ આપવામાં આવે છે તે મુજબ કાનાભાઈને ડિસેમ્બર માસમાં બે મહિનાનું ૧૭૦૦ રૂપિયા લાઈટ બિલ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી તેના પછી વીજતંત્રએ આગળના મહિનામાં ૩૨ હજાર રૂપિયા લાઈટ બિલ આપવામાં આવતાં ખેડૂતના પગ તળિયેથી ધરતી સરકી ગઈ હતી. કાનાભાઈએ મેઘરજ યુજીવીસીએલની કચેરીએ લેખિતમાં અરજી પણ કરી છે, પરંતુ વીજતંત્ર ચોર કોટવાલને દંડે એમ ખેડૂતને વીજબીલમાં રાહત આપવાના બદલે વીજ કનેક્શન જ કાપી નાખ્યું હતું. કાનાભાઇ નામના ખેડૂતના જણાવ્યા અનુસાર વીજ કર્મચારીને આજીજી કરી કહ્યું કે, મારા ઘરમાં ફક્ત એક બલ્બ સિવાય કંઈ જ નથી તો આટલું બિલ કઈ રીતે આવે, પરંતુ ગરીબનું કોઈ નથી એ કહેવત અનુસાર વીજ વિભાગના સ્ટાફે માણસાઈને પણ કોરાણે મુકી દઇ કારમી મોંધવારી વચ્ચે ગરમીમાં ખેડૂતનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. યુજીવીસીએલે વીજ કનેક્શન કાપી નાંખ્યા બાદ બીલમાં વધુ ૭ હજાર ઉમેરી ૩૯ હજાર બિલ ફટકાર્યું હોવાનું ખેડૂત કાનાભાઇએ જણાવ્યું હતું. આ અંગે જિલ્લાના સાંસદ, ધારાસભ્ય અને અન્ય ચૂંટાયેલા તેમજ પોતાને પ્રજાના સેવક ગણાવતા લોકોએ આગળ આવી યુજીવસીએલ તંત્રના આલા અધિકારીઓની લાલિયાવાડી સામે અવાજ ઉઠાવવવો જોઇએ તેવો મેઘરજ પંથકની પ્રજામાં સુર ઉઠ્‌યો છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ગરીબ ખેડૂતને ન્યાય ક્યારે અપાવે છે તેની પર સૌની મીટ મંડાઇ છે. હાલ નહીંવત વરસાદ હોવાના કારણે આકરી ગરમીમાં અને અંધારાપટમાં ખેડૂત કાના ભાઈ જીવન વ્યતીત કરી રહ્યા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution