વડોદરા,તા.૨૪  

પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શાસકોની અડચણો અને રાજકીય ચંચુપાત દૂર થયા પછીથી સતત ઓપેરેશન ક્લીન જારી રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુરુવારના રોજ દબાણ શાખાની ટીમ દ્વારા વડા ડો.મંગેશ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ શહેરના હાર્દસમા બાજવાડા વિસ્તાર ઉપરાંત ગોરવા -સુભાનપુરાના ગેરકાયદેસર દબાણો પર હથોડો ઝીકીને દૂર કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ગઈકાલે જયરત્ન પાસે થયેલી બબાલને ધ્યાનમાં લઈને પદાર્થપાઠ શીખી ગયેલી પાલિકાની ટીમે કાર્યવાહી દરમ્યાન પોલીસ ઉપરાંત જીઇબી અને પાલિકાના જમીન મિલકત તથા ટીડીઓ સ્ટાફની ટીમને પણ સાથે રાખી હતી. એ સિવાય કોઈ દુર્ઘટના ઘટે તો એને માટે પાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફને પણ સાથેસાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં એક સાથે ઉપસ્થિત વિવિધ વિભાગોની ટીમોને લઈને કેટલેક ઠેકાણે ગંભીર વાતાવરણ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. દબાણ શાખાની ટીમ દ્વારા બાજવાડા વિસ્તારમાં આવેલ હાટડી શેરી, ખૂંદુંજીના ખાંચામાં સીટી સર્વે નંબર ૭૨વાળી મિલ્કતમાં લોખંડની જાળીનો ગેટ તેમજ પાકી દિવાલનું ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેને હથોડા ઝીકી અને જેસીબીની મદદથી દૂર કરી દેવામાં આવ્યું હતું. જે કામગીરી દરમ્યાન પાલિકાની ટીડીઓની ટીમ, સીટી પોલીસ મથકનો સ્ટાફ, જીઇબીની ટીમ સાથે મળીને દબાણ શાખાએ તેઓની હાજરીમાં ઓપેરેશન ક્લીનની કાર્યવાહી કરી હતી. વહીવટી વોર્ડ નંબર ૧૦ ગોરવા -સુભાનપુરામાં આવેલ પ્રેરણા સર્કલથી દશામાં મંદિર થઈને સ્વામી વિવેકાનંદ હાઈટ્‌સ તરફ જતા ૧૮ મીટરના રોડમાં ગેરકાયદેસર રીતે ઉભું કરી દેવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ, પાકું પતરાનું મકાન, સંડાસ -બાથરૂમ, કમ્પાઉન્ડનું ફ્લોરિંગના દબાણો દૂર કાર્ય હતા. આ કામગીરીમાં ગોરવા પોલીસ, ફાયર બ્રિગેડ, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય, જમીન મિલકત અને ટીપીનો સ્ટાફ દબાણ શાખાની ટીમની કાર્યવાહી દરમ્યાન ઉપસ્થિત રહ્યો હતો. આમ પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા દશ દશ દિવસષ્ટિ જારી રખાયેલા ઓપેરેશન ક્લીન અભિયાનને જારી રાખવામાં આવ્યું છે.