સોપોર,

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આજે ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે જવાનો અને આતંકવાદીઓ વચ્ચે બારામુલા જિલ્લાના સોપોરમાં હર્દશિવા વિસ્તારમાં અથડામણ શરૂ થઈ હતી. આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સેનાની ૩૨ રાષ્ટ્રીય રાયફલ, એસઓદી સોપોર અને સીઆરપીએફે એક જાઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાની ટુકડી આતંકવાદીઓને પકડવા માટે તેમની નજીક જઈ રહી હતી ત્યારે જ આકતંકવાદીઓએ અંધાધૂન ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેના જવાબમાં ભારતીય જવાનોએ પણ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં ભારતને સફળતા સાંપડી છે.

સેનાની ૩૨ રાષ્ટ્રીય રાયફલ, એસઓદી સોપોર અને સીઆરપીએફે એક જાઈન્ટ ઓપરેશનમાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન વિસ્તારમાં કોઈ પ્રકારની શંકા ઉપજતા પ્રશાસને સમગ્ર સોપોરમાં મોબાઈલ ઈન્ટરનેટની સુવિધા બંધ કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં જવાનોને આજે વધુ એક સફળતા પણ હાથ લાગી છે. જવાનોએ આજે બડગામમાં લશ્કર-એ-તોયબાના એક આતંકવાદી મોડ્યૂલનો ભાંડો ફોડ્યો છે. જવાનોએ આતંકવાદીઓને આતંક ફેલાવવામાં મદદ કરનારા પાંચ સાથીદારોની ધરપકડ કરી દીધી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે.