આણંદ : આનંદો!! છેવટે કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા બાદ સાંજના સુમારે આણંદ પણ મોકલી આપવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, પહેલાં તબક્કામાં ૧૮,૫૦૦ જેટલાં કોરોના રસીના ડોઝને આણંદ જિલ્લા પંચાયત વેક્સિન સ્ટોર સેન્ટરમાં પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યાં છે. તા.૧૬ જાન્યુઆરીથી સરકારીની ગાઇડલાઇન્સ મુજબ તૈયાર કરેલી યાદી પ્રમાણે રસી આપવાનું શરૂ કરાશે.

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ રક્ષણ આપતી રસીને જન સામાન્ય સુધી પહોંચાડવા તૈયાર કરવામાં આવી છે. આણંદ જિલ્‍લામાં આ રસી આવી પહોંચી છે. અગાઉ વિવિધ સ્થળોએ જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ડ્રાય રન યોજવામાં આવ્યો હતો. જિલ્‍લા મુખ્‍ય આરોગ્ય અધિકારી ડૉ. શાલિની ભાટિયા દ્વારા ડ્રાય રનનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

અગાઉ આ જ વેક્સિન કેવી રીતે આપવામાં આવશે તે માટે આણંદ જિલ્લામાં ડ્રાય રન યોજવામાં આવ્યો હતો. ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રિલ, જેમાં સરકારની ગાઇડલાઇન મુજબ વેક્સિનેશન માટેની માહિતી અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઇ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઇ જવાની વ્યવસ્થા, ડમી લાભાર્થીને રસીકરણ અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રિયા કરવામાં આવી હતી.

કોરોના રસીકરણની કામગીરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રસીકરણ કેન્દ્રમાં રસી લેનાર વ્યક્તિની જાણકારી મેળવી તેઓનું મેડિકલ ચેકઅપ કરીને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવ્યાં હતાં. રસીકરણ રૂમમાં વ્યક્તિના ઓળખપત્રની ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ કોરોના-૧૯ની રસી અંગે સમજ આપીને રસી આપવામાં આવી હતીે. રસી આપ્યાં બાદ તે વ્યક્તિને ઓબઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યાં હતાં. તેઓને રસીકરણ બાદ કોઇ તકલીફ ન જણાય તો તેઓને જવા દેવામાં આવે છે.