આણંદ : કે’દુના કહેતાં હતાં કે ક્યારે વેક્સિન આવશે? લ્યો હવે વેક્સિન છેક દરવાજે આવી પોગી છે! આવો કંઈક માહોલ આણંદમાં સર્જાયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, પ્રાથમિક્તાના ધોરણે સરકારની ગાઇડલાઇન્સ મુજબ, પહેલું વેક્સિનેશન જાન્યુઆરીના અંતમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ માટેની યુદ્ધના ધોરણે ચાલતી તાલીમી કાર્યવાહી અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. આણંદ જિલ્લામાં કોરોનાને નાથવા માટે આરોગ્ય વિભાગ સજ્જ થઈ રહ્યો છે. આગામી જાન્યુઆરીના અંતથી જ વેક્સિનેશનની કામગીરી ચાલું થઈ જાય તેવી સંભાવના જાેવામાં આવી રહી છે. આ માટે ડેટા તૈયાર કરાઈ રહ્યો હોવાનું સૂત્રોનું જણાવવું છે. 

વધુમાં સૂ૬ોના જણાવ્યાં અનુસાર, મહામારી કોરોના વાઇરસને જડમૂડથી હાંકી કાઢવા માટે તબીબી વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સ્તરે સંશોધનો કરીને કોરોનાની વેક્સિન તૈયાર કરી લેવામાં આવી છે. છેલ્લાં તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યું છે. તેનાં પગલે દેશના વિવિધ રાજ્યોમાં છેક જિલ્લા સ્તરે વેક્સિનેશનની કામગીરી માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આણંદ શહેર અને જિલ્લામાં પણ વેક્સિનેશન માટે ડેટા પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સરકારની ગાઇડલાઇન્સ મુજબ પ્રથમ તબક્કામાં ૫૦ વર્ષ કે તેથી વધુની ઉંમર અને અન્ય કોઈ બીમારીથી પીડાતી વ્યક્તિઓને પહેલાં કોરોનાની વેક્સિન આપવામાં આવશે. હાલ એવું મનાઈ રહ્યું છે કે, બે ડોઝ આપવામાં આવશે. આ માટે તાજેતરમાં જ જિલ્લાના ડોક્ટરોની તાલીમ શિબિરનો એક વર્કશોપ પણ યોજાઈ ગયો છે. સાથે સાથે મોટાં રૂમમાં વેન્ટિલેટર મશીનો સાથે તૈયાર કરવામાં આવનાર પ્રત્યેક બુથ ઉપર ચાર મેડિકલ સ્ટાફની પણ તાલીમ યોજાઈ રહી છે.

કઈ વેક્સિન આપવામાં આવશે તે બાબતે હજુ રહસ્ય સર્જાયું છે. ભારતમાં ઉપલબ્ધ થનારી વેક્સિન આપવામાં આવશે કે પછી બ્રિટનમાં તૈયાર થયેલી વેક્સિન આપવામાં આવશે? તે વિશે કોઈ ફોડ પાડીને વાત બહાર આવી નથી. આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, આણંદ જિલ્લામાં બ્રિટનમાં તૈયાર થયેલી ફાઇઝર વેક્સિન આપવામાં આવે તેવી શક્યતા છે.

આરોગ્ય વિભાગ અને સરકારી તંત્ર દ્વારા વેક્સિનેશનના કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. મોટાભાગનો ડેટા તૈયાર કરીને ગાંધીનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ આણંદ જિલ્લામાં રવિવારે વધુ ૧૪ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. આ સાથે આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૨૧૪૫એ પહોંચી ગયો છે, જેમાંથી ૨૦૪૯ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. હાલમાં ૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી ૭૩ દર્દીની હાલત સ્થિર છે અને ૬ દર્દીેને ઓક્સજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે.