પાવીજેતપુર ઃ પાવી જેતપુરમાં નવરાત્રી પર્વને કલાકો બાકી રહ્યા છે ત્યારે કોરોનાના કહેરના એક વર્ષ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ યુવક મંડળો દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગત વર્ષ કોરોનાની મહામારીને ધ્યાને લઈને નવરાત્રી ઉત્સવ ફિક્કો રહ્યો હતો. જ્યારે ચાલુ વર્ષ કોરોના હવે કાબુમાં આવતા સરકાર દ્વારા પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવા માટે મહદ અંશે છૂટછાટ આપી છે. ત્યારે પાવી જેતપુર માતાજીના મંદિરના ચોકમાં તેમજ બસ સ્ટેન્ડ ઉપર સરકારની ગાઈડલાઈનના પાલન સાથે નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી થનારી છે. જેના ભાગ રૂપે પાવી જેતપુર માતાજી યુવક મંડળ તેમજ બસ સ્ટેન્ડ યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાવી જેતપુર ગામમાં નવરાત્રિને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા નવરાત્રિના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે એક વર્ષની ગાળા બાદ નવરાત્રીનું આયોજન થયું છે ત્યારે ગરબે ઘુમવા માટે પાવી જેતપુરના ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. પાવી જેતપુર ગામમાં માતાજીના ચોકમાં તેમજ બસ સ્ટેન્ડ ઉપર શેરી ગરબાના આયોજનને લઈ આયોજકોમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જણાઈ રહ્યો છે. નવરાત્રિના આયોજનને લઈ બજારોમાં ચણિયા ચોળી, ભાતીગળ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો સહિત નોરતાને લગતી તમામ સામગ્રી ખરીદવા બજારોમાં થોડી ઘણી ઘરાકી પણ જાેવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાના કહેરને પગલે નોરતાના ઢોલ ઢબુક્યા ન હતા જ્યારે આ વર્ષે મોડે મોડે પણ સરકાર દ્વારા નવરાત્રી મહોત્સવ ઊજવવાની છૂટ આપતા નવરાત્રિના આયોજનમાં યુવકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.