રાજકોટ,તા.૧

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો સતત વકરી રહ્યો છે અને ડેન્ગ્યુ, મેલેરિયાની સાથે જ ચિકનગુનિયા સહિતનાં કેસોમાં મોટો વધારો નોંધાયો છે અને શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે ભાજપ પર ગંભીર આરોપો લગાવાયા હતા. ભાજપનાં શાસકો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત થતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર લકવાગ્રસ્ત બન્યાનો આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા ત્વરિત પગલાં લેવા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરાઈ હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી ડેન્ગ્યુ, મેલેરિયા સહિતનાં રોગચાળાએ ભરડો લીધો છે. જેને લઈને મનપાનાં હાલના શાસકો બિનઅનુભવી હોય તેવું લાગી રહ્યું છે. કમલમમાંથી આદેશ થતા જ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે તત્પર શાસકોને લોકોની મુશ્કેલીઓ દેખાતી નથી. જેને લઈને રોગચાળો વર્લ્ડ રેકોર્ડ કરવા તરફ આગળ વધી રહ્યો છે. આરોગ્ય તંત્ર લકવાગ્રસ્ત બન્યું છે. ત્યારે આવા શાસકોને ખાસ કહેવું છે કે, તમારી પાસે અનુભવ નો હોય તો અગાઉના શાસકો સાથે પરામર્શ કરી રોગચાળા પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો કરવા જાેઈએ.મ્યુ. કમિશ્નરને પણ કોંગ્રેસની રજૂઆત છે કે, જાે હાલમાં મેલેરિયા વર્કર્સનું પૂરતું સેટઅપ ન હોય તો હંગામી ધોરણે કર્મચારીઓની ભરતી કરી લોકો સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડે. હાલ મચ્છરની સાથે પાણીજન્ય રોગચાળો પણ ખૂબ વકર્યો છે ત્યારે ગંદા પાણીને લગતી સમસ્યા યુદ્ધનાં ધોરણે નિવારવી જાેઈએ તેમજ માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ, ખાનગી હોસ્પિટલનાં આંકડાઓ મેળવી જાહેર કરવા જાેઈએ તેમજ ફોગીંગની કામગીરી વધુ વ્યાપક બને અને છેવાડાનાં વિસ્તારમાં રહેતા લોકોને પણ તેનો લાભ મળે તેવા પ્રયાસો કરવા જરૂરી છે.