અમરેલી, અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં એક મહિના અગાઉ અધાપાકાંડ સર્જાયો હતો. મોતિયાના ઓપરેશન બાદ ૧૫થી વધુ લોકોની રોશની બંધ થઇ ગઇ હતી. જેમને વધુ સારવાર માટે અમદાવાદ અને અન્ય સ્થળે ખસેડાયા હતા. આ કાંડ સર્જાયો ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને અધિકારીઓને રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. જાેકે, ઘટનાને એક મહિનો વિત્યાબાદ પણ અધિકારીઓ ઉંઘમાં હોય એમ આરોગ્યમંત્રીને રિપોર્ટ આપ્યો નથી. આજે રાજૂલામાં આવેલા આરોગ્યમંત્રીને મીડિયાએ જ્યારે સવાલ કર્યો કે, અંધાપાકાંડનું શું થયું તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘મને રિપોર્ટ હજુ નથી મળ્યો, રિપોર્ટ મળ્યા બાદ શું કારણ હતું એ તપાસ કરીને કસુરવારો સામે ચોક્કસથી પગલાં ભરીશું.’

અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એકાદ મહિના અગાઉ મોતિયાના ઓપરેશન કર્યા બાદ કેટલાક દર્દીઓને આંખમાં દુઃખાવો અને જાખપ આવી હોવાનો તકલીફ હતી. આ દર્દીઓને ભાવનગરથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને અલગ-અલગ અધિકારીઓની તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ ટીમે હોસ્પિટલમાં તપાસ કરી હતી. આ પછી આજદિન સુધી સમગ્ર મામલો બહાર આવ્યો નથી. ત્યારે આજે રાજુલામાં ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. જેમને સવાલ કરતાં તેઓએ રિપોર્ટ ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પાસે હજુ સુધી તપાસ કમિટી દ્વારા રિપોર્ટ પહોંચાડવામાં નથી આવ્યો. એક મહિનાથી વધુ સમય વિતવા છતાં આજદિન સુધી રિપોર્ટ આરોગ્યમંત્રી સુધી નહીં પહોંચવાના કારણે ફરીવાર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તપાસ ક્યાં સુધી ચાલશે? સમગ્ર મામલે કોણ બે જવાબદારોને બચાવી રહ્યું છે? કેમ હજુ સુધી તપાસ કમિટી દ્વારા આરોગ્ય મંત્રીને રિપોર્ટ નથી સોંપાયો.. આવા અનેક સવાલો ફરીવાર ઉઠી રહ્યા છે. રાજુલા શહેરની ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આજે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. જેમણે હોસ્પિટલ લોકાર્પણ કરીને હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.