ટ્રેન નીચે આવી ગયા બાદ પણ માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ થયો
07, જુલાઈ 2022

રાજકોટ, શહેરમાં એક અજીબો ગરીબ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના રેલ્વે સ્ટેશન પર એક બાળક પડી જતા તે પાટા નીચે આવી ગયો હતો. બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા પરંતુ બાળકને ઉની આંચ પણ આવી નહોતી. આ ઘટનામાં બાળકને બચાવવા માટે આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા દોડી ગઈ હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે. જાંબાજ મહિલા કોન્સ્ટેબલને બાળકની માતા ભેટી પડી હતી. તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. આપણે ત્યાં એક કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. રાજકોટ શહેરના જંકશન રેલવે સ્ટેશન ખાતે આ કહેવત સાચી પડી છે. ગત ચોથી જુલાઈના રોજ બપોરના ભાગમાં માતા પુત્ર રાજકોટથી દાહોદ ટ્રેન મારફતે જતા હતા. આ સમયે માતા પુત્ર જ્યારે ટ્રેનમાં ચડી રહ્યા હતા ત્યારે બાળકનો પગ લપસી જતા બાળક ટ્રેનના પાટા નીચે આવી ગયો હતો. પોતાનો પુત્ર ટ્રેનની નીચે પાટા પાસે જતો રહેતા બાળકની માતા હતપ્રભ બની ગઈ હતી. આજુબાજુના લોકોને બચાવો બચાવોની બૂમ પણ પાડી હતી. આ સમયે રાજકોટ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માનું ધ્યાન બાળક તરફ દોરાયું હતું.

આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા બાળક સુધી હિંમતભેર દોડી ગઈ હતી. ત્યારબાદ બાળકને કહ્યું હતું કે, તું જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહે. બીજી તરફ બાળકે પણ હિંમત દર્શાવી અને તે જ સ્થિતિમાં રહ્યો અને આખરે તે બચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution