સ્મરણો યાદ રહી જાય પણ કુદરતના ઘરે પહોંચી ગયેલાંની ખોટ વર્તાય છે
22, ડિસેમ્બર 2020

ભરૂચ, ભરૂચના પનોતા પુત્ર અને રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલ કે જેઓને ભરૂચ અને દેશની રાજનીતિમાં ઉત્તમ કામગીરી માટે ખાસ યાદ કરવામાં આવે છે. ગત ૨૫ નવે.ના રોજ મરહુમ અહમદ પટેલ કુદરતની ગોદમાં પહોંચી ચુક્યા હોય પરંતુ તેમની યાદો ભરૂચ અને દેશવાસીઓમાં હજી પણ જીવંત છે. દેશના રાજકારણના મહારથી ગણાતાં સાંસદ અહમદ પટેલની પ્રાર્થનાસભા સોમવારના રોજ ભરૂચના રોટરી કલબ હોલ ખાતે યોજવામાં આવી હતી. ભારતના રાજકારણમાં ઉંચુ કદ અને સ્થાન ધરાવતાં રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલનું કોરનામાં નિધન થયું છે. તેમના નિધનથી કોંગ્રેસ પાર્ટીને ન પુરાય તેવી ખોટ પડી છે. ભરૂચ શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સોમવારે રોટરી હોલ ખાતે પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના આગેવાનો તથા વિવિધ સંસ્થાઓ અને યુનિયનોના અગ્રણીઓ તથા નાગરિકોએ અહમદ પટેલની તસવીર સમક્ષ પુષ્પો અર્પણ કરી તેમને કરેલાં કાર્યોને યાદ કર્યા હતાં. આ પ્રસંગે અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ હાજર રહયાં હતાં. તેમણે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તેમના પિતા ભરૂચની બેઠક જીતી સૌ પ્રથમ દિલ્હી પહોંચ્યાં હતાં. તેમના પિતાજી જયારે ઓગષ્ટ ક્રાંતિમાં ભરૂચ આવતાં ત્યારે તેમને આવકારવા સ્ટેશન પર લોકોની ભીડ જામતી હતી. મુમતાઝ પટેલે ભરૂચના ગોલ્ડનબ્રિજનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તેઓ ડ્રાયવીંગ કરતાં ગોલ્ડનબ્રિજ પરથી શીખ્યાં હતાં. સ્મરણો યાદ રહી જાય છે પણ કુદરતના ઘરે પહોંચી ગયેલાંની ખોટ હમેશા રહી જાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution