વડોદરા : ઉચ્ચ સનદી અધિકારીઓના બેનંબરી કાળાનાણાના જાેરે વડોદરાને પોતાની જાગીર સમજનારા બીઆરજી ગ્રૂપ સામે પાલિકાતંત્રે કડક કાર્યવાહી શરૂ કર્યા બાદ હવે જિલ્લા કલેકટર કચેરીએ બીઆરજી ગ્રૂપની ઔદ્યોગિક હેતુની બે જમીનો ઉપર હેતુફેર કરી ઉપયોગ કરાતો હોવાનું ધ્યાન ઉપર આવતાં કાર્યવાહી શરૂ કરી છે. 

બીઆરજી ગ્રૂપના બકુલેશ ગુપ્તા અને પુત્ર સરગમ દ્વારા છાણી ખાતે આવેલ એક અખબારની કચેરી અને જમીન ખરીદી લીધા બાદ એ ઔદ્યોગિક હેતુની જમીન ઉપર સ્કૂલ અને હોસ્ટેલ શરૂ કરી હતી. આ અંગેની જરૂરી કોઈપણ જાતની પૂર્વમંજૂરી નહીં લીધી હોવાથી જાગૃત નાગરિકે અરજી કરતાં કલેકટર કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ વડોદરાથી વાઘોડિયા તરફ જતા પીપરિયા ગામ નજીક આવેલ સુમનદીપ વિદ્યાપીઠ સામેની જમીન ઉપર અગાઉ સુઝલોનનું સેઝ કાર્યરત હતું. આ સેઝને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતીની પરવાનગી મેળવાઈ હતી. આ જમીન પણ બીઆરજી ગ્રૂપની પેટા કંપની અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર એસોસિયેટ દ્વારા ખરીદી લેવાઈ હતી અને આ સ્થળે ગુજરાત પબ્લિક સ્કૂલ શરૂ કરવામાં આવી હોવાનું બોર્ડ લગાવી દીધું, આ અંગેની કોઈ પૂર્વમંજૂરી લેવાઈ ન હતી. તેમ છતાં આ જમીન ઉપર પેટ્રોલ પંપ ખડો કરવામાં આવી રહ્યો છે એ માટે જમીનનું ટાઈટલ ક્લિયર હોવાનું જરૂરી જણાતાં આ જગ્યાની હેતુફેર કરવા માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ કલેકટરે આ અરજીને રદ કરી દીધી હતી. તેમ છતાં આ જગ્યાએ હાલ પેટ્રોલ પંપ ખડો કરવાની કામગીરી ધમધમી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી સર્વોચ્ચ પદ ઉપર રહી ચૂકયા હોય એવા ચાર જેટલા સનદી અધિકારીઓના બેનંબરી રૂપિયાનો વહીવટ કરતા હોવાથી બીઆરજી ગ્રૂપ પોતાની જાતને કાયદાની ઉપર માની રહ્યા છે અને આવા સંપર્કોના આધારે જ તેમણે એકપણ રૂપિયો ચૂકવ્યા વગર કેવડિયા ખાતેની નર્મદા યોજનાના કર્મચારીઓની આખી વસાહત ૩૦ વર્ષ માટે બીઆરજી ગ્રૂપને આપી દેવાઈ હતી. પરંતુ જાગૃત નાગરિક દ્વારા કરાયેલી પાલિકાને અરજી બાદ શહેરની તમામ મિલકતો સામે નોટિસ બાદ સીલ અને તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બીજી તરફ કલેકટર કચેરીએ પણ હેતુફેર કર્યા વગર ઔદ્યોગિક જમીનોના અન્ય ઉપયોગ અંગે કાર્યવાહી શરૂ કરી છે.

ઊર્મી સ્કૂલ પાસેનો પાર્કિંગનો અપાયેલો ઈજારો રદ કરવા તત્કાલીન સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલે ગુપ્તાના બંગલામાં ડીનર સાથે બીજુ પણ કંઈ લીધું?

સમા તળાવ નજીક આવેલી બીઆરજી ગ્રૂપની ઊર્મિ સ્કૂલ નજીક આવેલી પાલિકાની જગ્યામાં ઊભા થનારા પાર્કિંગને રાતોરાત હટાવી દેવાયંુ હતું. સ્થાયી સમિતિએ ટેન્ડર પણ બહાર પાડયું હતું અને વર્કઓર્ડર અપાયા બાદ ઈજારદારે જમીનની માપણી પણ કરી હતી. પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષે પોતે બંગલામાં ડીનર લીધા બાદ પેકેટ લઈ પરત ફરતા પાર્કિંગ બનાવવાનો નિર્ણય રાતોરાત પડતો મુકાયો હોવાનું કહેવાય છે.