રાજકીય મેળાવડાઓમાં મ્હાલનારા અગ્રણીઓ પણ કોરોનાની ઝપેટમાં!
21, માર્ચ 2021

વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય મેળાવડાઓ બાદ એકાએક વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે આજે વડોદરાના સાંસદ, ડભોઈના ધારાસભ્ય, વોર્ડ નં.૧૧ના મહિલા કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર સહિત આજે વધુ ૧૦૮નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંસદ અને ધારાસભ્યએ વેક્સિન લીધાના પખવાડિયા બાદ પ્રાથમિક લક્ષણો જણાતાં ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.

માર્ચ મહિનાના પ્રારંભથી એકાએક કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. તેમાંય છેલ્લા બે દિવસથી ૧૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આજે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, મહિલા કાઉન્સિલર સહિત અગ્રણીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ૪ માર્ચના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને આજે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સાંસદ રંજનબેન ભટ્ટે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, પ્રાથમિક લક્ષણો જણાતાં ગઈકાલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જે આજે પોઝિટિવ આવ્યો છે, જેથી સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ થયેલ છું. મારી સાથે સંપર્કમાં આવેલા દરેકને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ કોરોના સંક્રમિત થયાની જાણ સોશિયલ મીડિયા પર આજે સવારે કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય શૈલેષ મહેતાએ તા.પમી માર્ચે કોરોનાની વેક્સિન લીધી હતી. વેક્સિન લીધાના ૧પ દિવસ બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૧ના મહિલા કાઉન્સિલર મહાલક્ષ્મી શેરિયાર અને તેમના પતિ કોરોના સંક્રમિત થયા છે, જ્યારે વીએમસીમાં ભાજપ પક્ષના દંડક ચિરાગ બારોટના માતા, પુત્ર અને પુત્રવધૂ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી, શિક્ષણ સમિતિના એક પૂર્વ સભ્ય, વડોદરા જિલ્લા ખાણ-ખનિજ વિભાગના અધિકારી અને તેમના પત્ની તેમજ પાલિકાની સભા શાખામાં કામ કરતા વધુ એક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા

મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution