રાજ્યમાં તમામને કોરોના રસી મળશે  રૂપાણી સરકાર સજ્જ
11, જાન્યુઆરી 2021

ગાંધીનગર, દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ થવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોના વેક્સિનેશનને લઈને સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, વેક્સિન અપાયા બાદ લોકોને નિરિક્ષણ હેઠળ રખાશે. આ દરમિયાન તેમને કોઈ સમસ્યા થશે તો તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે. તેના માટે વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વેઇટિંગ રુમ, વેક્સિન રુમ અને ઓબ્ઝર્વેશન રુમ શામેલ છે. 

વિજય રૂપાણીએ જણાવ્યું કે, ‘વેક્સીન આવી ગઈ છે, મને એ વાતનો ગર્વ છે જે વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. તે બંને વેક્સીન મેઈન ઈન ઈન્ડિયા છે. સમગ્ર ગુજરાતમાં વેક્સીન આપવા માટે ડેટાબેઝનું કામ પૂર્ણ કરી દેવાયું છે. ગુજરાતની અંદર ચાર લાખ ઉપર હેલ્થકેર વર્કર્સ તેમજ ૬ લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ કુલ ૧૧ લાખ જેટલા કર્મચારીઓને કોરોના વેક્સીનનો પહેલો લાભ મળશે.’

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના સામેની લડાઈમાં આપણે જીત મેળવી છે. તેમણે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટરો અને કોરોના વૉરિયર્સની પ્રશંસા કરી. સીએમ રૂપાણીએ કહ્યું કે, ડૉક્ટરો અને કોરોના વૉરિયર્સે ઉત્કૃષ્ટ કામગીરી નીભાવી છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને કહ્યું કે, ગુજરાતમાં પ્રાયોરિટી પ્રમાણે દરેકને વેક્સિન મળશે. રાજ્યમાં વેક્સિનેશનની પ્રોસેસ માટે ગુજરાત તૈયાર છે. તેમણે અફવાઓ પર ધ્યાન ના આપવા પણ લોકોને અપીલ કરી છે. ‘કોરોના વેક્સીનેશન માટે હાઉસ ટૂ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. એની અંદર ૫૦ વર્ષથી ઉપરના લગભગ ૧.૦૫ કરોડ લોકો છે. પચાસ વર્ષથી નાના ૨.૭૫ લાખ લોકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી એમ ૬ સ્થાનો પર વેક્સીન ટ્રાય રન સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. આ દરમિયાન ૧૬૦૦૦ હેલ્થકેર વર્કર્સને વેક્સિનેટર તરીકે વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. જેઓ વેક્સીન લગાડવાનું કામ કરશે.’

વેક્સીન સેન્ટર પર મુખ્ય ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વેઈટિંગ રૂમ, વેક્સીન રૂમ તથા જ્યાં વેક્સીન લગાડવામાં આવશે ત્યાં ઓબ્ઝર્વેશન રૂમ શામેલ છે. વેક્સીન લગાડ્યા બાદ જે લોકોને કોઈ સમસ્યા થાય તો તેમની તબીબી સારવાર માટે રૂમ ઉપલબ્ધ હશે. કોરોના વેક્સીનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સીનને સ્ટોર કરવા માટે રાજ્યમાં ૬ રિજિયનલ ડેપો તૈયાર કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણ રસીકરણની વ્યવસ્થામાં જે સાધનોનો ઉપયોગ કરાશે તેનું ઓડિટિંગ પણ પૂરું થઈ ગયું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્યને વધારાના સાધનો મળી ગયા છે. આમ ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા માટે જઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution