વડોદરા

કરજણ વિધાનસભાના બેઠકના વેમાર ગામના શિવમ્‌ વિદ્યામંદિર ખાતે પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચેલા દર્શના વસાવા કહે છે કે, લોકશાહી શાસન વ્યવસ્થાની વિશેષતા એ છે કે, લોકો પોતાના નેતાને પસંદ કરી શકે છે. આ માટે લોકોને મતાધિકારનો આપવામાં આવ્યો છે. જેનો લોકોએ અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. રાષ્ટ્રનિર્માણ માટે સારા જનપ્રતિનિધિની ચૂંટવા અને લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી લોકોએ સહભાગી બનવુ જોઈએ.

લીલોડ ગામના ૮૦ વર્ષના જંયતીભાઈ પટેલ મતાધિકારનો ઉપયોગ કરવાનુ ચૂકતા નથી 

કરજણ વિધાનસભાના બેઠકની પેટાચૂંટણીમાં મતદાન કરવા પ્રૌઢ મતદારો પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. લીલોડ ગામના ૮૦ વર્ષના જંયતીભાઈ પટેલ પણ લાકડીના ટેકે ઉત્સાહ સાથે મતદાન કરવા પહોચ્યાં હતા. તેમણે કહ્યુ કે, જ્યારથી મતાધિકાર મળ્યો ત્યારથી લગભગ એક પણ વખત મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂક્યો નથી. લોકો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારના વિકાસની દિશા નક્કી કરવાની તક મળતી હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં દર પાંચ વર્ષ પોતાના પ્રતિનિધિ ચૂંટવાની તક મળતી હોય છે. કોઈ પ્રતિનિધિ જનતાની આશા-અપેક્ષા પર પૂર્ણ ન ઉતરે તો લોકો તેને મતાધિકારનો ઉપયોગ કરીને તેને જાકારો પણ આપી શકે છે.