આણંદ : કોરોના વેક્સિનનું આગમન થતાં જ સમગ્ર દેશ સહિત રાજ્યમાં વેક્સિન આપવાનો આજે તા.૧૬મી પ્રારંભ થઇ રહ્યો છે. ત્‍યારે કોરોના વેક્સિન સંબંધી અનેક ખોટી અફવાઓ અને ભ્રામક માન્યતાઓને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્‍યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આવી ખોટી અફવાઓ અને ભ્રામક પ્રચારથી પ્રેરાઇ ન જવું જાેઇએ, પરંતુ કોરોના વેક્સિનની સાચી માહિતીથી જાણકાર રહેવું જાેઇએ. 

દરેક નાગરિકોના મનમાં અનેક પ્રશ્નો છે. તેનાં વિશે નાગરિકોને જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્‍યું છે. અહીં અમૂક પ્રશ્નો અને તેનાં જવાબ આપવામાં આવ્યાં છે, જે તમારાં માર્ગદર્શન માટે કામ આવશે.

પ્રશ્ન: શું કોરોનાની વેક્સિન બધાને એક સાથે આપવામાં આવશે?

જવાબ: સરકારે ઉચ્‍ચ જાેખમ ધરાવતાં જૂથોને પ્રાથમિક્તાના આધારે રસીકરણ માટે પસંદ કર્યા છે, જેમાં પ્રથમ જૂથમાંઆરોગ્‍ય કર્મચારીઓ અને ફ્રન્‍ટલાઇન કામદારો, બીજા જૂથમાં ૫૦ વર્ષથી વધારે વયના લોકો તથા પહેલેથી બીમાર હોય તેવા લોકો અને ત્‍યારપછી બાકીના બધા જરૂરિયાતમંદોને વેકિસન આપવમાં આવશે.

પ્રશ્ન: આ વેક્સિનને બહુ ઓછા સમયમાં બનાવવામાં આવી છે તેથી શું તે સુરક્ષિત છે?

જવાબ: વેક્સિનની સુરક્ષા અને અસરક્તાના ડેટાના આધારે મંજૂરી મળ્યાં પછી જ નિયમનકાર સંસ્‍થાઓ દ્વારા વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે.

પ્રશ્ન: શું વેક્સિન લેવી ફરજિયાત છે?

જવાબ: કોરોનાની વેક્સિન સ્‍વૈચ્છિક છે. જાેકે, આ બીમારી સામે રક્ષણ મેળવવા અને રોગને ફેલાતો અટકાવવા માટે કોરોનાની વેક્સિનનો પૂરો ડોઝ લેવો આવશ્‍યક છે.

પ્રશ્ન: શું કોરોનાથી સાજી થયેલી વ્‍યક્તિ માટે વેક્સિન લેવી ફરજિયાત છે?

જવાબ: ભૂતકાળમાં કોરોનાનો ચેપ લાગ્‍યો હોય તો પણ કોરોનાની વેક્સિનના શિડ્યૂલને પૂર્ણ કરવું જરૂરી છે. તેનાંથી આ રોગ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદ મળશે.

પ્રશ્ન: શું કોરોનાનો ચેપ (પુષ્ટિ/શંકાસ્‍પદ) હોય તો તેને વેક્સિન અપાશે ?

જવાબ: આ માટે ચેપગ્રસ્‍ત વ્‍યક્તિએ લક્ષણો દૂર થાય તેનાં ૧૪ દિવસ સુધી વેક્સિન લેવાનું મુલત્‍વી રાખવું જાેઇએ. કારણ કે તેઓ રસીકરણના સ્‍થળે બીજા લોકોમાં ચેપ પ્રસરાવે તેવી શક્યતા રહેલી છે.

પ્રશ્ન: જુદાં જુદાં પ્રકારની વેક્સિનમાંથી વહીવટીતંત્રે એક કે વધુ વેક્સિનને કઇ રીતે પસંદ કરી?

જવાબ: વેક્સિન માટે લાઇસન્‍સ આપતાં પહેલાં દવા નિયમનકાર દ્વારા જુદી જુદી વેક્સિનના ક્લિનિકલ પરીક્ષણો પરથી તેની સુરક્ષા અને અસરકારક્તાની ચકાસણી થઈ છે. તેથી લાઇસન્‍સ મેળવનારી તમામ વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે. જાેકે, અહીં સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, આખી યાદી એક પ્રકારની વેક્સિનથી પૂર્ણ કરવામાં આવે છે. કારણ કે અલગ અલગ વેક્સિન એકબીજાના બદલામાં લઇ શકાય નહીં.

પ્રશ્ન: શું ભારત પાસે ૨ ડિગ્રીસે.થી ૮ ડિગ્રી સે. તાપમાને વેક્સિનનો સંગ્રહ કરવાની અને જરૂરી તાપમાન પરિવહન કરવાની ક્ષમતા છે?

જવાબ: ભારત વિશ્વમાં સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવે છે, જેમાં ર.૬ કરોડ નવજાત શિશુઓ અને ર.૯ કરોડ ગર્ભવતી મહિલાઓને વેક્સિન અપાય છે. દેશની વિશાળ અને વિવિધતાપૂર્ણ વસ્‍તીને અસરકારક રીતે સેવા આપવા કાર્યક્રમની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં આવી રહી છે.

પ્રશ્ન: શું ભારતમાં ઉપયોગ થતી વેક્સિન વિદેશમાં આપવામાં આવતી વેક્સિન જેટલી જ અસરકારક હશે?

જવાબ: હાં, ભારતમાં રજૂ થઇ રહેલી કોરોના વેક્સિન અન્‍ય દેશોમાં વિકસાવાયેલી વેક્સિન જેટલી જ અસરકારક હશે. સુરક્ષા અને અસરકારક્તાની ચકાસણી કરવા વેકિસનના પરીક્ષણના વિવિધ તબક્કા પાર પાડવામાં આવ્‍યાં છે.

પ્રશ્ન: હું રસીકરણને પાત્ર છું કે નહીં? તે કઇ રીતે જાણી શકું? જવાબ ઃ આ માટે પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને તેમનાં રજિસ્‍ટર્ડ મોબાઇલ નંબર પર તેમને જે સ્થળે વેક્સિન આપવામાં આવનાર છે તે આરોગ્‍ય સેવા કેન્‍દ્રની માહિતી અને સમય જણાવવામાં આવશે.

પ્રશ્ન: પાત્રતા ધરાવતાં લાભાર્થીની નોંધણી માટે ક્યા દસ્‍તાવેજાેની જરૂર છે?

જવાબ: પાત્રતા ધરાવતાં લાભાર્થીએ નોંધણી માટે ડ્રાઇવિંગ લાઇસન્‍સ/વોટર આઇડી/પેનકાર્ડ/પાસપોર્ટ/આધાર/જાેબ કાર્ડ/પેન્‍શન દસ્‍તાવેજ/આરોગ્‍ય મંત્રાલયની યોજના હેઠળ જારી થયેલાં આરોગ્‍ય વીમા સ્‍માર્ટ કાર્ડ, મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામ રોજગાર ગેરંટી કાર્ડ/સાંસદ/ધારાસભ્‍યો/એમએલસી દ્વારા અપયેલાં સત્તાવાર ઓળખપત્રો, બેન્‍ક/પોસ્‍ટ ઓફિસ દ્વારા અપાયેલી પાસબુક, કેન્‍દ્ર/રાજ્ય સરકાર/પબ્લિક લિમિટેડ કંપનીઓએ આપેલાં સર્વિસ ઓળખપત્ર પૈકી કોઇપણ એક દસ્‍તાવેજની જરૂર છે.

પ્રશ્ન: શું કોઇ વ્‍યક્તિ નોંધણી વગર કોરોના વેક્સિન મેળવી શકે ખરી?

જવાબ: ના, કોરોના વેક્સિન માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી પછી જ સ્‍થળ અને સમયની માહિતી આપવામાં આવતી હોવાથી નોંધણી કરાવવી જરૂરી છે.

પ્રશ્ન: કોઇ વ્‍યક્તિ સેશનના સ્‍થળે ફોટો આઇડી રજૂ ન કરી શકે તો તેને વેક્સિન આપવામાં આવશે કે નહીં?

જવાબ: આ માટે સેશનના સ્‍થળે લાભાર્થીની નોંધણી અને ચકાસણી માટે ફોટો આઇડી જરૂરી છે, જેથી યોગ્‍ય વ્‍યક્તિનું રસીકરણ થાય છે તે સુનિશ્ચિત થઇ શકે. તે માટે સેશનના સ્‍થળે ફોટો આઇડી જરૂરી છે.

પ્રશ્ન: લાભાર્થીને રસીકરણની તારીખ વિશે કઇ રીતે માહિતી મળશે?

જવાબ: આ માટે લાભાર્થીએ ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હશે તો લાભાર્થીને તેમના રજિસ્‍ટર્ડ કરાવવામાં આવેલાં મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. આ જણકારીમાં રસીકરણની તારીખ, સ્‍થળ અને સમય દર્શાવવામાં આવેલો હશે.

પ્રશ્ન: શું રસીકરણ કરાવનાર લાભાર્થીઓને રસીકરણ પૂર્ણ થયાં પછી તેમની સ્થિતિ વિશે માહિતી મળશે ?

જવાબ: હાં, કોરોનાની વેક્સિનનો ડોઝ લીધાં પછી લાભાર્થીને તેમના રજિસ્‍ટર્ડ મોબાઇલ નંબર ઉપર એસએમએસ મળશે. વેક્સિનના તમામ ડોઝ અપાયાં બાદ લાભાર્થીના રજિસ્‍ટર્ડ નંબર પર એક ઊઇ કોડ આધારિત પ્રમાણપત્ર મોકલવામાં આવશે.

પ્રશ્ન: સ્‍થળ પર ક્યા નિવારક પગલાં અને સાવધાનીઓનું પાલન કરવું જરૂર છે?

જવાબ: કોરોના વેક્સિન લીધાં પછી લાભાર્થીએ ઓછામાં ઓછા અડધા કલાક સુધી વેક્સિનેશન કેન્‍દ્રમાં આરામ કરવાનો રહેશે. ત્‍યારપછી લાભાર્થીને કોઇ તકલીફ કે બેચેની અનુભવાય તો નજીકના આરોગ્‍ય કર્મચારીઓ/એએનએમ/આશાને જાણ કરવાની રહેશે. તેમજ કોરોના અનુરૂપ વ્‍યવહારનું પાલન કરવું પડશે. જેમ કે, માસ્‍ક પહેરવું, હાથ સેનેટાઇઝ કરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવું (૬ ફૂટનું અંતર) પડશે.

પ્રશ્ન: કોરોના વેક્સિન સંબંધિત સંભવિત આડઅસરોનું શું?

જવાબ: આ માટે સુરક્ષા સાબિત થાય ત્‍યાર પછી જ કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે. અન્‍ય વેક્સિનમાં થાય છે તેમ તેની કેટલીક આડઅસર જાેવા મળી શકે છે. જેમ કે, તાવ આવાવો, દુઃખાવો થવો વગેરે. આ માટે કોરોના વેક્સિન સંબંધિત આડઅસરનો સામનો કરવા માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

પ્રશ્ન: કોઇ વ્‍યક્તિ કેન્‍સર, ડાયાબિટિસ, હાઇપરટેન્‍શન વગેરેની દવાઓ લેતી હોય તો તે કોરોનાની વેક્સિન લઇ શકે?

જવાબ: હાં, આ પૈકીની કોઇપણ એક અથવા વધારે બીમારીઓ એકસાથે ધરાવતી વ્યક્તિને અત્‍યંત જાેખમી કક્ષામાં ગણવામાં આવી હોઇ તેઓએ કોરોનાની વેક્સિન લેવી જરૂરી છે.

પ્રશ્ન:શું આરોગ્‍ય સેવા આપનારાઓ, ફ્રન્‍ટલાઇન કામદારોના પરિવારજનોને પણ વેક્સિન અપાશે?

જવાબ: હાલ શરૂઆતના તબક્કામાં વેક્સિનના મર્યાદિત પૂરવઠાને કારણે સૌથી પહેલાં એવાં લોકોને વેક્સિન આપવામાં આવશે, જેમને કોરોનાનો ખતરો વધારે છે. ત્‍યારપછીના તબક્કામાં બાકીના લાભાર્થીઓને વેક્સિન ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

પ્રશ્ન: વેક્સિનના કેટલાં ડોઝ લેવાં પડશે અને કેટલાં સમયગાળા પછી? વેક્સિનના બે ડોઝ લેવાં પડશે. બીજાે ડોઝ લાભાર્થીને ૨૮ દિવસ બાદ આપવામાં આવશે.

પ્રશ્ન: વેક્સિન લીધાં પછી શરીરમાં એન્ટિબોડી ક્યારે વિકસશે?

જવાબ: કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધાં બાદ સામાન્‍ય રીતે બે સપ્‍તાહ (અઠવાડિયા) પછી એન્ટિબોડીઝનું રક્ષણાત્‍મક સ્‍તર રચાય છે.