/
સર્વત્ર સવાલ ઃ વાઘોડિયા પોલીસને કૌભાંડી તલાટીએ ખરીદી લીધી છે?

વાઘોડિયા તાલુકામાં કોરોનાકાળમાં કરોડોના થયેલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર તલાટી કમ મંત્રી અભિષેક મહેતાને આજે પોલીસે અદાલતમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જાે કે, આરોપીને વીઆઈપી સગવડ અપાતી હોવા ઉપરાંત રિમાન્ડની યાદી જાહેર નહીં કરવામાં આવતાં વાઘોડિયા પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ છે. પોલીસ હવે આ મામલામાં ભીનું સંકેલવાના પ્રયાસો કરી રહી હોવાનું માનવામાં આવે છે.

કરોડોના કૌભાંડને તાલુકા વિકાસ અધિકારીએ પ્રકાશમાં લાવ્યા બાદ વાઘોડિયા પોલીસને એફઆઈઆર નોંધવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ ખુદ પોલીસ આરોપી ભ્રષ્ટ તલાટીને બચાવવામાં લાગી હોય એમ જવાબદાર તાલુકા વિકાસ અધિકારીની પુરાવા સહિતની લેખિત ફરિયાદ હોવા છતાં છ દિવસ સુધી એફઆઈઆર નહીં નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે જિલ્લા પોલીસની ખાસ્સી એવી બદનામી થઈ રહી છે.

મહત્ત્વની વાત તો એ કે ૧૬મી ફેબ્રુઆરીના રોજ ટીડીઓ કાજલ આંબલિયાએ તલાટી કમ મંત્રી અભિષેક ભરતકુમાર મહેતાએ કરેલા લાખોના ભ્રષ્ટાચાર અંગે પુરાવાઓ સહિત લેખિતમાં ફરિયાદ આપી હતી, તેમ છતાં પોલીસે તા.૨૧મીએ ફરિયાદ નોંધી ભ્રષ્ટ તલાટીને ભાગવાનો મોકો આપ્યો હોવાનું માનવામાં આવે છે. ટીડીઓએ આપેલી લેખિત ફરિયાદમાં ૪૨૦, ૪૬૭, ૪૬૮ અંગેની ગંભીર કલમ પ્રમાણેનો ગંભીર ગુનો સ્પષ્ટ રીતે બનતો હોવા છતાં માત્ર આઈપીસી કલમ ૪૦૯ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. ખરેખર તો તલાટી તરીકેની મળેલી સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ત્યારે એસીબી મુજબ પણ ગુનો બનતો હોવાથી લાંચ રૂશ્વત બ્યૂરો વિભાગ ને વાઘોડિયા પોલીસને જાણ કરવી જાેઈએ એવું થયંુ નહીં હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.

૨૧મી ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાયા બાદ ૧૬ દિવસ બાદ ભ્રષ્ટ તલાટી અભિષેક મહેતા પકડાયો હતો, એ દરમિયાન વાઘોડિયા પોલીસે ટીડીઓએ આપેલી લેખિત ફરિયાદમાં જણાવેલી વિગતોની કોઈ તપાસ કરી જ ન હતી એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ટીડીઓએ લેખિતમાં આપેલી જણાવ્યું છે કે આરોપી તલાટી અભિષેક મહેતા સામે ઈપીકો ૪૦૯ અને લાગુ પડતી અન્ય કલમો મુજબનો ગુનો બને છે અને એના પર્યાપ્ત પુરાવા છે, તેમ છતાં પોલીસે પોતે કોઈ અન્ય ઈપીકો કલમ એફઆઈઆરમાં નોંધી નથી, જેને લઈને શંકાઓ ઊભી થઈ છે.

આજે ભ્રષ્ટ તલાટી અભિષેક મહેતાને અદાલતમાં રજૂ કરી પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેની સામે ૪ દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ તલાટી જે ગામોમાં ફરજ બજાવતો હતો, એ ગામો કરમાલિયાપુરા, જાંબુવાડા, અંટોલી ગામે જઈ ગ્રામ પંચાયતનો રેકોર્ડ ચેક કરી સરપંચોના નિવેદનો લેશે. આ ઉપરાંત તલાટીએ બેન્કમાંથી રોકડ ઉપાડી ક્યાં ક્યાં ખર્ચ કર્યો એની વિગતો મેળવાશે. જરૂર પડ્યે આરોપીના વધારાના રિમાન્ડની માગ પણ કરવામાં આવશે. એ માટે આગામી તા.૮મીએ ભ્રષ્ટ તલાટીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.

કૌભાંડી તલાટીના પત્ની અને નજીકના સગા પણ આરોપી બનશે

ભ્રષ્ટ તલાટીએ કૌભાંડ ઝડપાતાં ઉતાવળે તૈયાર કરેલા બિલોના કારણે પત્ની અને નજીકના સગા પણ આરોપી બનશે એવી શક્યતા ઊભી થઈ છે. આરોપી અભિષેક મહેતાએ ઉતાવળે પત્ની નિધિના નામે જ નિધિ એન્ટરપ્રાઈઝ રાતોરાત ખોલી નાખી હતી. જ્યારે નજીકના સગા દર્શન નામે રોયલ એન્ટરપ્રાઈઝ ખોલી હતી. મહત્ત્વની વાત એ છે કે નિધિ એન્ટરપ્રાઈઝમાં નંબર પત્નીનો જ બિલમાં દર્શાવ્યો છે અને સરનામું પોતાના ઘરનું જ દર્શાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જીએસટી નંબર વગરના આ બોગસ બિલોને કારણે અભિષેક મહેતાની પત્ની નિધિ અને નજીકના સગા દર્શન મહેતાને પોલીસ પૂછપરછ માટે બોલાવશે અને જરૂર પડ્યે આરોપી બનાવી ઝડપી પણ લેવાશે એવા સંજાેગો ઊભા થયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution