વડોદરા : વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું કોકડું ગૂંચવાયું છે. સરકાર દ્વારા નવેમ્બર મહિનામાં કરવામાં આવેલા પરિપત્રને પગલે સ્ક્રૂટિની સહિત ચૂંટણી અંગે શું કરવું તે અંગે સરકારનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે. જેને પગલે આજે એમ.એસ.યુનિવર્સિટી બચાવો - વડોદરા બચાવોની માગ સાથે નરેન્દ્ર રાવત સહિતના સેનેટસભ્યોએ યુનિવર્સિટી રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું અને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાય તેવી માગણી કરી છે.
સેનેટસભ્ય નરેન્દ્ર રાવતે શિક્ષણમંત્રીને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, એમ.એસ. યુનિવર્સિટીની ગરિમા અને પ્રતિષ્ઠા બચાવો, ભાજપના પરિવારવાદની લડાઈમાં યુનિવર્સિટીના શિક્ષણનું કચ્ચરઘાણ નીકળી રહ્યું છે. એમ.એસ.યુનિવર્સિટી સ્વાયત્ત સંસ્થા છે. ગ્રાન્ટ એન્ડ એઇડથી ચાલતી પુરષ્કૃત સંસ્થા છે. ભાજપના નેતાઓ રાજકારણની લડાઇનું સાધન બનાવી યુનિવર્સિટીને કલંકિત કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની સર્વોચ્ચ સંસ્થા સેનેટની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ ચૂંટણી પ્રક્રિયાને ૪ મહિનાથી વધારે સમય વીતી ગયો, તમામ પ્રક્રિયા ચાલુ હોય, ત્યારે યુનિવર્સિટી રજિસ્ટ્રાર દ્વારા ગેરબંધારણીય અને બિનઅમલી નિવેદન આપ્યું છે કે, ચૂંટણી માટે સરકારની પરવાનગી લેવી પડશે. યુનિવર્સિટી રજિસ્ટ્રારના આ નિવેદનને અમે વખોડીયે છે અને રજિસ્ટ્રારના ગેરબંધારણીય આદેશને પરત ખેંચી લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પૂર્ણ કરાય તેવી માગણી કરી હતી.
યુનિવર્સિટી સત્તાધીશો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વિશ્વવિખ્યાત યુનિવર્સિટીને ભાજપનું ગ્રહણ લાગ્યું છે. આ રીતે મૂર્ખામીભર્યા આદેશથી ચૂંટણી પ્રક્રિયા રોકી શકાય નહીં. રજિસ્ટ્રારનો હુકમ યુનિવર્સિટી એક્ટ-૧૯૪૯ની વિરુદ્ધમાં છે. એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા પછી તેને સ્ટોપ કરી શકાય નહીં. ચૂંટણી માટે કે પ્રક્રિયા માટે સરકારની મંજૂરી લેવી તે કાયદામાં નથી. ચૂંટણી ન કરવાનો કે પ્રક્રિયા રોકવાનું યુનિવર્સિટી એકટમાં કોઈ પ્રોવિઝન નથી. આ બાબતે આજે સેનેટસભ્યો તેમજ પૂર્વ સેનેટસભ્યોએ વાઇસ ચાન્સેલરને આવેદન આપીને રજિસ્ટ્રારના ગેરબંધારણીય આદેશને પરત ખેંચીને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પૂર્ણ કરવામાં આવેે તેવી માગણી કરી છે.
Loading ...