લોકડાઉન દરમિયાન ૨૦૬૪ ઓપીડી દર્દીઓની તપાસ
25, જુન 2020

આણંદ, તા.૨૩ 

લોકડાઉન પૂરું થયાં પછી પણ અનલોક-૧ દરમિયાન કોરોનાનો કહેર સતત વધતો જાય છે ત્યારે ચાંગા સ્થિત મલ્ટિસ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં આવતાં તમામ મુલાકાતીઓ-દર્દીઓની સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે સેનિટાઇઝેશન પ્રત્યે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોવિડ-૧૯ મહામારી અને લોકડાઉનમાં બે માસ દરમિયાન દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી ચારુસેટ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. લોકડાઉનમાં એપ્રિલ માસમાં ૫૧૮ ઓપીડી અને ૫૬ આઈપીડી થઈ હતી અને૧૭ સર્જરી કરવામાં આવી હતી. જ્યારે મે માસમાં ૧૫૪૬ ઓપીડી અને ૯૭ આઇપીડી હતી અને ૨૯ સર્જરી કરવામાં આવી હતી. બે માસમાં લોકડાઉન દરમિયાન ૨૦૬૪ ઓપીડી અને ૧૫૩ આઈપીડી થઈ હતી અને ૪૬ સર્જરી કરવામાં આવી હતી, જેમાં ઓર્થોપેડિક-ઇએનટી-ગાયનેક-જનરલ સર્જરીનો સમાવેશ થતો હતો.  હાલમાં ચારુસેટ હોસ્પિટલમાં ઓપીડી, આઇસીયુ-ઓપરેશન થિયેટર, સર્જરી વગેરે સેવાઓ રાબેતા મુજબ સવારે ૯થી સાંજે ૫ દરમિયાન કાર્યરત છે. આ ઉપરાંત ઈમરજન્સી સેવાઓ પણ ૨૪ટ૭ કાર્યરત છે. ચારુસેટ હોસ્પિટલમાં આવતાં તમામ દર્દીઓ અને મુલાકાતીઓના સ્વાસ્થ્ય માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ઈમરજન્સી ગેટ આગળ પ્રવેશ કરવા માટે સેનિટાઇઝેશન પેનલ લગાવવામાં આવી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ સેનિટાઇઝ થયાં પછી હોસ્પિટલમાં આવી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. હોસ્પિટલમાં અન્ય રોગોની સારવાર માટે આવતાં દર્દીઓ-મુલાકાતીઓને પણ ચેપ લાગવાનો ભય ન રહે તે માટે તકેદારી લેવામાં આવી છે. કોરોનાને પગલે દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ચારુસેટ હોસ્પિટલ દ્વારા ચોવીસ કલાક પોતાની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution