05, ફેબ્રુઆરી 2021
દાહોદ, ગત રાતે દાહોદ શહેરના હાર્દ સમા ગાંધી ચોક નજીક એમ.જી રોડ પર આવેલ ફ્રુટની એક બંધ દુકાનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ સમયસર ઘટનાસ્થળે દોડી આવી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી હતી. તેમ છતાં આગમાં અંદાજે રૂપિય ૬૫ થી ૭૦ હજારનુ નુકસાન થયાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદ શહેરના એમ.જી.રોડ પર ઉનવાલા સ્ટોરની નજીક આવેલ કનૈયાલાલ ભૂધરમલ વાસવાણી નામના ફ્રુટના એક વેપારીની આવેલી દુકાનમાં ગતરોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે અકસ્માતે આગ ભભૂકી ઉઠતા દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા આસપાસના લોકોને આગ અંગેની જાણ થતા તે લોકોએ આગ અંગેની જાણ દાહોદના ફાયર સ્ટેશને કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો તાબડતોબ ઘટનાસ્થળે ફાયર ફાઈટર સાથે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ હોલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.