સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઇ
27, જુન 2021

ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનાં હડિયોલ,ગઢોડા, કનીયોલ ગામે કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવશે અને સરકારની નિષ્ફળતાના કારણે પ્રજાએ ભોગવેલી હાલાકી અને સાચી હકીકતો જનતા સમક્ષ બહાર લાવશે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામના ૩૨ વર્ષના નવયુવાનો નકુલ રાજુભાઈ પટેલ અને પરેશર કાન્તિભાઈ પ્રજાપતિનું કોરોનાને કારણે અવસાન થયું છે.સામાન્ય પરિવારને સારવાર દરમિયાન ૧૫ થી ૨૦ લાખનો ખર્ચ થયો, તમામ પુરાવા હોવા છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી. પરિવારજનોનો દુઃખ સાથે આક્રોશ હતો કે સારવાર માટે લાખો રૂપિયાની લૂંટ ચલાવાય છે અને સરકાર મોતના આંકડા છુપાવે છે. આ અંગે ચાવડાએ મૃતકના પરિવારને સાંત્વના આપીને જણાવ્યું હતું કે, તેઓની રજૂઆતને વાચા અપાશે. ભાજપના ભ્રષ્ટ શાસનમાં કોરોના મહામારીમાં લાખો લોકોના મોત, હાડમારી, આર્થિક પાયમાલી, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાના અભાવને કારણે જનતામાં આક્રોશ છે. આગામી સમયમાં જન આંદોલનો અને સંગઠનના કાર્યક્રમો થકી જનસંપર્ક અભિયાનની શરૂઆત અનુસંધાને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન

કરાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution