જીવનમાં મળતી નિષ્ફળતા એ જીવનનું અંતિમ સત્ય નથી

લેખકઃ દ્રષ્ટિ ભટ્ટ | 

આજકાલ  નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓના રિઝલ્ટ આવ્યા અને આ રિઝલ્ટ જાે અપેક્ષા કરતા નીચું આવ્યું હોય તો ઘણા બાળકો જીવન ટૂંકાવવાનું વિચારે છે પરંતુ આ રિઝલ્ટમાં મળેલ નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી. આ તો માત્ર આ શૈક્ષણિક વર્ષમાં મળેલી નિષ્ફળતા છે. જેનો સ્વીકાર કર્યા પછી પણ આગળ ઘણી બધી સફળતાઓ આપણી રાહ જાેવે છે. જીવન આકાશ જેટલું વિશાળ અને અસીમ છે. નિષ્ફળતા એક અસ્થાયી અવસ્થા છે, તે કદી પણ જીવનનું અંતિમ સત્ય ન હોય શકે તેનાથી આગળ પણ ઘણી સારી જિંદગી હોય જ છે. મોટા ભાગના લોકો જીવનમાં કોઇને કોઇ સમયે નિષ્ફળ થયા જ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સમગ્ર જીવન નિષ્ફળ છે. ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં ઓછા માર્ક્‌સ અથવા નિષ્ફળતા જીવનની સમગ્ર યાત્રાનો ર્નિણય ન કરી શકે.

વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષાના પરિણામો મહત્ત્વના ભાગ બની ગઈ છે. આ પરિણામોને સફળતા અને નિષ્ફળતાના પેરામિટર તરીકે જાેવામાં આવે છે, જે ખોટું છે. વિદ્યાર્થીઓએ એ સમજી લેવું જાેઈએ કે એક પરીક્ષામાં ઓછા માર્ક્‌સ મેળવવાથી જીવનના દરેક ક્ષેત્રમાં નિષ્ફળ હોવાનો થપ્પો નથી લાગતો. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે અલગ અલગ ગુણો અને કુશળતાઓ જરૂરી છે. જિંદગી આખી કંઈક નવું શીખવા માટે મળી છે એટલે એક વિષયમાં નિષ્ફળતા મળે તો બીજા રસના વિષયમાં આગળ વધવાથી સફળતા મળી શકે છે.

ઘણી વખત માતાપિતા એ ખુબ પૈસા ખર્ચ્યા હોય એટલે બાળક નિષ્ફળતાનો આવો બોજ સહન નથી કરી શકતો અને જીવન ટુંકાવવા જેવું ખોટું પગલું ભરી બેસે છે. આ સમયે માતા-પિતા અને બાળકો બંનેએ એ વિચારવું રહ્યું કે હાલમાં જાહેર થતાં બોર્ડ અથવા કોઇ પણ રિઝલ્ટ માત્ર મહેનત પ્રમાણે નથી હોતા તેમા નસીબ (લક) પણ બહુ મોટો ભાગ ભજવે છે. જેમ કે પેપર ચેક કરનારનો મૂડ, પેપર ફૂટવા, પેપર મોડા મળવાને લીધે થયેલા ફેરફાર વગેરે વગેરે. જે ઘણાબધા બાળકોની મહેનત અને માતા-પિતાના ખર્ચેલા પૈસા સામે ઘણો મોટો અન્યાય કહેવાય. પરંતુ આપણે ત્યાં સિસ્ટમ નહીં બદલાય ત્યાં સુધી દરેક સામાન્ય પરિવારના બાળકો આવી બધી મુશ્કેલીઓનો સામનો કરતા જ આવ્યા છે અને આગળ પણ કરશે જ. અહીં મારો કહેવાનો મતલબ જરાય એવો નથી કે આ બધું સહન કરો, શક્ય હોય ત્યાં વિરોધ કરો પરંતુ વિરોધ કરવા પણ આપણી હાજરી જરૂરી છે એટલે તે માટે પણ જીવન ટૂંકાવવું એ તો સાચો રસ્તો નથી જ. હું તો એમ કહું કે નિષ્ફળતાને ચેલેન્જ તરીકે લો અને તે સ્વીકાર્યા પછી રસના વિષયમાં વધુ મહેનત કરી, સફળ થઈ અને આ સમાજ અને દુનિયાને દેખાડી દો.

-સફળતા અને નિષ્ફળતાનો અર્થ

અહીં એ સમજવું જરૂરી છે કે સફળતા અને નિષ્ફળતા આપણા દ્રષ્ટિકોણ પર આધારિત છે. સફળતા અને નિષ્ફળતા સાપેક્ષ છે. એક અંગ્રેજી કહેવત છે, “સફળતા એ અંતિમ નથી, નિષ્ફળતા એ ઘાતક નથી, મહત્વનું છે હિમ્મતથી આગળ વધવું.”

૧.મુશ્કેલીઓ એક અવસર છેઃ દરેક નિષ્ફળતા પાછળ એક નવો અવસર છુપાયેલો હોય છે. તે જાણો અને નવા માર્ગ તરફ પ્રયત્ન શરુ કરો.

૨.શિક્ષણ જીવનનો ભાગ છેઃ નિષ્ફળતાને શીખવાની પ્રક્રિયા તરીકે સ્વીકારો. આગળ વધુ સારી રીતે શીખવા પ્રયત્ન કરજાે.

૩.સપોર્ટની જરૂરઃ આ સમયે મિત્રો, પરિવાર અને સમાજે બાળકને તેની ભૂલો ગણાવવાને બદલે આગળ શું કરવું તેના રસ્તા બતાવવા જાેઈએ અને વીતી ચૂકેલા સમય અને ભૂલોને ભુલી જવાની સલાહ આપવી જાેઈએ.

આ દુનિયામાં અનેક વ્યકિતઓએ તેમના જીવનમાં નિષ્ફળતા મેળવી છે, પણ તે પછી તેઓ સફળ થયા છે. જેમ કેઃ

•થોમસ એડિસનઃ જેને હજારો વખત નિષ્ફળતા મળી પરંતુ તેનાથી તે હાર્યા નહીં અને વિશ્વને લાઇટ બલ્બની ભેટ આપી.

•આલ્બર્ટ આઇન્સ્ટાઇનઃ જે બાળપણમાં નબળા ગણાતાં હતાં, પણ તે પછી વિશ્વને સાપેક્ષતાવાદ જેવા મૂળભૂત સિદ્ધાંત આપનાર વિજ્ઞાની બન્યાં.

જીવન ટૂંકાવવું તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી. જીવન એક સુંદર યાત્રા છે, જેમાં ચડાવ-ઉતાર અનિવાર્ય છે. નિષ્ફળતાને સ્વીકારીને આગળ વધવું એ જ સાચી સફળતા છે. જીવન અમૂલ્ય છે અને દરેક દિવસ નવો અવસર લાવે છે. નિષ્ફળતા એ અંત નથી, પરંતુ નવી શરૂઆત છે.

જીવન સુંદર છે, તેને જીવો અને દરેક પળનો આનંદ માણો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution