વડોદરા : વડોદરા તાલુકાના કોયલી ગામે આવેલ ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે વધુ એક તબીબની બેદરકારીના કારણે શેરખી ગામની મહિલા દર્દીનું મોત થયાના ગંભીર આક્ષેપો સાથે ગામના સરપંચ અને કામદાર નેતાની આગેવાનીમાં મહિલા દર્દીના સગાંસંબંધીઓ અને સોસાયટીના રહીશોનો મોરચો હોસ્પિટલ ખાતે ધસી આવ્યો હતો અને હંગામો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસે એ અગાઉ જ હોસ્પિટલના ડોકટરે પોલીસને બોલાવી લેવામાં આવી હતી. 

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા નજીક આવેલ શેરખી ગામના રહેવાસી શિલ્પાબેન વિક્રમસિંહ પરમારને ડિલિવરી માટે ગામમાં આવેલી ખાનગી બીના ગોપાલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બુધવારના રોજ દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં મહિલાની ડિલિવરી દરમિયાન રક્તસ્ત્રાવ વધુ થતાં તબિયત લથડી હતી. તેણીને વેન્ટિલેટરની જરૂર હોવાથી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તબીબોએ કોઈ કારણોસર દર્દી શિલ્પાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવતાં ગોત્રી ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવવામાં આવતાં દર્દીને ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં મહિલા દર્દી શિલ્પાબેન પરમારનું મોત નીપજ્યું હતું.

શિલ્પાબેનનું મોત નીપજતાં પરિવારજનો, સામાજિક કાર્યકર લખન દરબાર તથા શેરખી ગામના સરપંચ ડિલિવરી કરનાર બીના ગોપાલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને હોસ્પિટલના તબીબો ઉપર યોગ્ય સારવારના અભાવે મહિલા દર્દી શિલ્પાબેનનું મોત થયું હોવાના આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાને કારણે હોસ્પિટલ ખાતે પોલીસ પણ દોડી આવી હતી. હોસ્પિટલમાં મચેલા હોબાળો અંગે ગાયનેક તબીબ ડો. ધવલ પરીખે મહિલા દર્દીનું ત્રીજું સિઝર હોઈ તે ક્રિટિકલ હોવાથી પરિવારજનોનું અગાઉથી જ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને છ જેટલા યુનિટ બ્લડ તૈયાર રાખવાનું જણાવ્યું હતું.

બીજી તરફ આ ખાનગી બીના ગોપાલ હોસ્પિટલમાં ત્રીજીવાર આ પ્રકારનો કિસ્સો બનતાં ગ્રામજનોમાં અને સોસાયટીના રહીશોમાં ભારે ઉગ્ર રોષની લાગણી વ્યાપી હતી અને કોરોનાના સમયમાં તબીબ દ્વારા હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું.